મહારાષ્ટ્ર

ભંડારામાં ઘાયલ વાઘ કેનાલમાં ફસાયો: વન વિભાગે આ રીતે કર્યું રેસ્ક્યુ કર્યું, જુઓ વીડિયો

ભંડારા: આજે મંગળવારે સવારે મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના પૌની તાલુકામાં આવેલા ધનોરી ગામ પાસે એક વાઘ ઘયલ હાલતમાં મળી આવતા તંત્ર દોડતું થઇ ગયું હતું. વાઘ ગોસીખુર્દ ડેમની રાઇટ બેંક કેનાલ (RBC)માં પડી ગયો હતો, સ્થાનિકો વાઘને જોવા ઉમટી પડ્યા હતાં. વાઘ હલનચલન કરી શકતો ન હતો, વન વિભાગે તુરંત કાર્યવાહી કરી તેનું રેસ્ક્યુ કર્યું હતું. હાલ તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ઇન્દિરાસાગર પ્રોજેક્ટ હેઠળના ગોસીખુર્દ ડેમના આસપાસના વિસ્તારમાં આવેલી માનવ વસાહતોમાં વાઘની અવરજવર વધી રહી છે. એવામાં આજે સ્થાનિકોએ 7 થી 8 વાગ્યાના અરસામાં ધનોરી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં વાઘને ઘાયલ હાલતમાં જોયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ વાઘ શાંત પડ્યો હતો અને હલનચલન કરી શકતો ન હતો. સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી.

આ પણ વાંચો : ઘાયલ વાઘણે સાત કલાક સુધી રેલવે માર્ગ બ્લોક કર્યો

વન વિભાગે વાઘનું રેસ્ક્યુ કર્યું:

વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ વેટનરી ડોક્ટર્સ અને ફ્રન્ટલાઈન સ્ટાફની એક રેસ્ક્યુ ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. વાઘની સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. આજુબાજુના વિસ્તારમાં લોકોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો.

રેસ્ક્યુ ટીમે ઘાયલ વાઘને ઇન્જેક્શન આપીને બેભાન કર્યો અને ત્યાર બાદ કેનાલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. બાદમાં તેની સ્થિતિ અંગે મેડીકલ ટેસ્ટીંગ અને ઈજાના ઈલાજ માટે વાઘને નાગપુરના ગોરેવાડા રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો.
વાઘને ઈજા કેવી રીતે થઇ અને તેને અહીં કેવી રીતે પહોંચ્યો એ અંગે વન વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : વાઘોડિયા દુર્ઘટના: 11 કેવી લાઇન અડતાં 3 વીજકર્મીને લાગ્યો કરંટ, એકનું મોત

અગાઉ પણ વાઘ કેનાલમાં પાડવાની ઘટનાઓ બની ચુકી છે:

નોંધનીય છે કે જૂન 2015 માં બ્રહ્મપુરીમાં ગોસીખુર્દ કેનાલમાં પડી જવાથી એક વાઘનું મોત થયું હતું. વર્ષ 2011માં કલા નામની એક વાઘણ ભીવાપુરમાં ગોસીખુર્દ સબ-કેનાલમાં પડી ગઈ હતી. જાન્યુઆરી 2018માં ‘જયચંદ’ નામનો વાઘ ગોસીખુર્દ ડેમની RBC માં પડી ગયો હતો, સદભાગ્યે તેનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મે 2019માં સિંદેવાહી નજીક ડોંગરગાંવમાં બાંધકામ હેઠળની ગોસીખુર્દ કેનાલમાં છ મહિનાનો વાઘ પડી ગયો હતો.

સિંચાઈ વિભાગ સામે સવાલ:

વાઈલ્ડ લાઈફ એક્ટીવીસ્ટ્સ એવા આરોપ લગાવી રહ્યા છે કે પ્રાણીઓ આવી ઘટનાઓથી બચાવવા સિંચાઈ વિભાગ પૂરતા પગલા ભરી રહ્યું નથી. વાઈલ્ડ લાઈફ એક્ટીવીસ્ટની એક સમિતિએ કેનાલ પર 42 વાઈલ્ડ લાઈફ ક્રોસિંગ બનાવવાનું સૂચન કર્યું હતું. જેના કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે, છતાં ઘણી જગ્યાએ આવા ક્રોસિંગ અસરકારક સાબિત થયા છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button