‘મારું રાજીનામું ન માગે તો થાય છે અપચો’: ફડણવીસ થયા આક્રમક

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તેમ જ ગૃહ ખાતું સંભાળનારા દેવેન્દ્ર ફડણવીસે શનિવારે નાગપુર ખાતે પોલીસકર્મીઓના સંગઠન સાથે સંવાદ સાધ્યો હતો અને એ દરમિયાન તેમણે પોલીસની કામગિરીને બિરદાવવા ઉપરાંત ગૃહ પ્રધાન તરીકે ફરજ બજાવવી કેટલી મુશ્કેલ હોય છે તે વિશે વાત કરી હતી.
તેમણે પોલીસકર્મીઓની કામગિરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જેમ હું આ રાજ્યનો ગૃહ પ્રધાન છું એ જ રીતે દરેક પોલીસ કોન્સ્ટેબલ એ પોત પોતાના ગામના ગૃહ પ્રધાનો છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પાછળ તમારો ખૂબ જ મોટો ફાળો છે.
આ પણ વાંચો : કૌન બનેગા મુખ્યમંત્રી? મહાયુતિમાં કોના પર કળશ ઢોળાશે?
તેમણે ગૃહ પ્રધાન તરીકે કામ કરતા વેઠવી પડતી મુશ્કેલીઓ અંગે જણાવ્યું હતું કે સાચું કહું તો ગૃહ પ્રધાન તરીકે કામ કરનારાને સૌથી વધુ ગાળો ખાવી પડે છે. અમુક લોકોને શોખ હોય છે કે સવારે ઉઠીને કેમેરા સામે જઇને મારું રાજીનામું ન માગે ત્યાં સુધી તેમને ખાવાનું પચતું નથી. એકાદ દિવસ જો મારું રાજીનામું ન માગે તો તેમને અપચો થઇ જાય છે. જોકે, પોલીસ સંસ્થા એવી છે તેમણે પોતાનું કામ કરવું જ પડે છે. જોકે, કોણ કામ કરે છે તે પોલીસ સંસ્થા ભૂલી નથી.
હૉનરરી પોલીસ અધિકારીઓને 15,000 રૂપિયા મળશે
માનના પદ(હૉનરરી રેન્ક) વિશે વાત કરતા ફડણવીસે કહ્યું હતું કે માનના પદને સન્માન મળવું જરૂરી છે અને તેનું મહત્ત્વ ઘટાડવાનો પ્રયત્ન કરાયો. તેમને બિન પગારી ફુલ અધિકારી(વિના પગારે આખા અધિકારી) કહી ખીજવવામાં આવે છે, પરંતુ અમે માનના પદો પર નિયુક્ત થયેલાઓને 15,000 રૂપિયાનું માન-ધન જાહેર કર્યું છે. તમે ચિંતા ન કરતા. બે ત્રણ દિવસ પહેલા કહ્યું હોત તો હું તમારા ખાતાઓમાં પૈસા જમા કરાવીને આવ્યો હોત. સોમવારે અધ્યાદેશ પહાર પાડીને ખાતામાં પૈસા જમા કરવાનો આદેશ મેં આપ્યો છે. ચાર મહિનાના પૈસા ખાતામાં જમા થશે અને દર મહિને સમયસર તમારા ખાતામાં પૈસા જમા થશે.