શૅરબજારમાં આકર્ષક વળતરની લાલચે 43 રોકાણકાર સાથે છ કરોડની ઠગાઈ
પુણે: પુણેમાં શૅરબજારમાં રોકાણ સંબંધી માર્ગદર્શનના ક્લાસ ચલાવીને આકર્ષક વળતરની લાલચે 43 રોકાણકાર સાથે અંદાજે છ કરોડ રૂપિયાની કથિત ઠગાઈ કરવા પ્રકરણે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પુણેની હડપસર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ પ્રતીક કુમાર ચૌખંડે (36) તરીકે થઈ હતી. વધુ તપાસ માટે આરોપીને પુણે પોલીસની આર્થિક ગુના શાખાને સોંપાયો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર હડપસરમાં ફુરસુંગી પરિસરની સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા ચૌખંડેએ હડપસર વિસ્તારમાં શૅરબજારમાં રોકાણ સંબંધી માર્ગદર્શનના ક્લાસીસ શરૂ કર્યા હતા. પછી શૅરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની ખાતરી આપી રોકાણકોરોને લલચાવ્યા હતા. આરોપીની વાતમાં આવી 43 રોકાણકારે નાણાં રોક્યાં હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આરોપીના કહેવાથી પચીસ લાખ રૂપિયા રોકનારા રોકાણકારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે શરૂઆતમાં ફરિયાદીને વળતર આપવામાં આવ્યું હતું, પરંતુ ગયા મહિનાથી વળતર આપવાનું બંધ કરી દેવાયું હતું. આ બાબતે ચૌખંડેનો સંપર્ક સાધતાં તે ઉડાઉ જવાબ આપતો હતો. આખરે ફરિયાદીએ કંટાળીને પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ આરોપીને પકડી પાડ્યો હતો.