મહારાષ્ટ્ર

બંધ જિનિંગ ફૅક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કારખાનું ખોલ્યું: પાંચની ધરપકડ

એફેડ્રિન ડ્રગ્સ, કાચો માલ અને સાધનસામગ્રી મળી 2.38 કરોડ રૂપિયાની મતા જપ્ત

અકોલા: અકોલા જિલ્લામાં બંધ પડેલી જિનિંગ ફૅક્ટરીમાં ધમધમતા ડ્રગ્સના કારખાના પર કાર્યવાહી કરી અકોલા ક્રાઈમ બ્રાન્ચે પાંચ જણની ધરપકડ કરી હતી. કારખાનામાંથી એફેડ્રિન ડ્રગ્સ, કાચો માલ અને સાધનસામગ્રી મળી 2.38 કરોડ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ આદિલ મોહમ્મદ શમીમ અન્સાર (36), પવન માણિક મુદ્દનર (30), નિસાર નિયાઝી મુખ્તાર નિયાઝી (45), મોહમ્મદ ઈરફાન મોહમ્મદ યુસુફ વચય (40) અને ફિરોઝ ખાન શબ્બીર ખાન (50) તરીકે થઈ હતી. આરોપીઓ વિરુદ્ધ બાર્શીટાકળી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

અકોલાના મહાગાંવ રોડ પરની મોહમ્મદ શફીની બંધ જિનિંગ ફૅક્ટરીમાં અમુક લોકો ડ્રગ્સ બનાવવાનું કારખાનું ચલાવી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે ફૅક્ટરીમાં રેઇડ કરી હતી. ફૅક્ટરી પરિસરમાં આવેલી બે રૂમમાંથી ડ્રગ્સ બનાવવાનાં સાધાનો મળી આવ્યાં હતાં. બે શખસ ત્યાં વિવિધ રાસાયણિક દ્રવ્યો પર પ્રક્રિયા કરીને ડ્રગ્સ બનાવતા નજરે પડ્યા હતા.

પોલીસને 1.38 કરોડ રૂપિયાનું તૈયાર એફિડ્રિન મળી આવ્યું હતું, જે સપ્લાય થવા પહેલાં જ પોલીસને હાથ લાગ્યું હતું. ડ્રગ્સ બનાવવાના કારખાનાનો સૂત્રધાર આદિલ અન્સાર હોવાનું પોલીસે જણાવ્યું હતું. આદિલ અન્સાર અને પવન મુદ્દનર મુંબઈ નજીકના વસઈના રહેવાસી છે અને અન્સાર વિરુદ્ધ મુંબઈ અને હૈદરાબાદમાં ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં જણાયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button