ઇગતપુરીના રિસોર્ટમાં ચાલતા બોગસ કૉલસેન્ટરનો પર્દાફાશ
પાંચ જણની ધરપકડ 71 મોબાઇલ, 44 લેપટોપ, 1.20 કરોડની રોકડ, સોનું-લકઝરી કાર જપ્ત

મુંબઈ: સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ નાશિકના ઇગતપુરી ખાતે રિસોર્ટમાં ચાલતા બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કરીને છ જણની ધરપકડ કરી હતી. વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી આચરનારા આરોપીઓએ કૉલ સેન્ટર ચલાવવા માટે 60 ઑપરેટરની ભરતી કરી રાખી હતી. પોલીસે કૉલ સેન્ટર પર રેઇડ પાડીને 71 મોબાઇલ, 44 લેપટોપ, 1.20 કરોડની રોકડ તેમ જ સોનું અને લકઝરી કાર જપ્ત કરી હતી.
સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ વિશાલ યાદવ, અભય રાજ, સમીર, શહબાઝ અને દુર્ગેશ તરીકે થઇ હતી. આરોપીઓ ઇગતપુરીમાં રેઇનફોરેસ્ટ રિસોર્ટમાં પરિસર ભાડે લઇને બોગસ કૉલ સેન્ટર ચલાવતા હતા.
આ પણ વાંચો: અમેરિકનોનાં બૅન્ક ખાતાં હૅક કરનારા બોરીવલીના બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ…
સીબીઆઇએ 8 ઑગસ્ટે મુંબઈના છ શખસ ઉપરાંત અજાણી વ્યક્તિઓ તથા બેન્ક અધિકારીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓ એમેઝોન સપોર્ટ સર્વિસીસ કૉલ સેન્ટરમાંથી બોલી રહ્યા હોવાનું કહીને ફિશિંગ કૉલ દ્વારા છેતરપિંડી આચરતા હતા. તેઓ અમેરિકા, કેનેડાના નાગરિકોનો સંપર્ક સાધતા હતા અને ગિફ્ટ કાર્ડ/ક્રિપ્ટોકરન્સી થકી ગુનો આચરતા હતા. તેમણે કૉલ સેન્ટર ચલાવવા માટે ડાયલર્સ, વેરિફાયર્સ અને ક્લોઝર્સ સહિત 60 ઑપરેટરની ભરતી કરી રાખી હતી, એવું એફઆઇઆરમાં જણાવાયું હતું.
આ પણ વાંચો: ફોરેક્સ માર્કેટ ટ્રેડિંગને નામે છેતરનારા કૉલ સેન્ટરનો પર્દાફાશ: 14 પકડાયા…
દરમિયાન સીબીઆઇના અધિકારીઓએ રિસોર્ટમાં રેઇડ પાડીને બોગસ કૉલ સેન્ટર પકડી પાડ્યું હતું. અધિકારીઓએ મોબાઇલ, લેપટોપ ઉપરાંત વાંધાજનક ડિજિટલ પુરાવા, એક કરોડ રૂપિયાની કિંમતની સાત લકઝી કાર, પાંચ હજાર યુએસડીટી ક્રિપ્ટોકરન્સી (પાંચ લાખ રૂપિયા) બે હજાર કેનેડિયન ડોલરના ગિફ્ટ વાઉચર જપ્ત કર્યા હતા. તલાશી દરમિયાન કૉલ સેન્ટરમાં 62 કર્મચારી વિદેશી નાગરિકોને કૉલ કરી છેતરપિંડી આચરવાની પ્રક્રિયામાં હતા.