IAS Pooja Khedkar Controversy: પદભાર સંભાળવા બોલેરોમાં પહોંચી પૂજા ખેડકર, પણ

મુંબઈ: વિવાદો બાદ બદલી થયા બાદ પૂજા ખેડકરે આજે વાશીમના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યો હતો. જોકે, આ દરમિયાન ખોટી રીતે ઓબીસી અને દિવ્યાંગતાની શ્રેણીનો ઉપયોગ કરી પરિક્ષા પાસ કરી હોવાના આરોપો અંગે કોઇ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું અને આ મામલે મૌન સાધ્યું હતું.
જોકે, વિવાદ વકરતા જોઇ પૂજા ખેડકર લાલ અને ભૂરી બત્તી લગાવેલી પર્સનલ ઓડી કારના બદલે જિલ્લા પ્રશાસન દ્વારા આપવામાં આવેલી સામાન્ય બોલેરો કારમાં વાશીમ જિલ્લાધિકારીની ઓફિસમાં પદભાર સંભાળવા આવી હતી.
જુનિયર કર્મચારીઓ પર જોહુકમી અને જિલ્લાધિકારીઓને મળતી સુવિધાઓની માગણી કરતી પૂજા ખેડકરને બોલેરો કારમાં સાદાઇથી આવતા જોઇ ઘણાને નવાઇ પણ લાગી હોવાનું જણાયું હતું. પૂજાએ આ દરમિયાન જણાવ્યું હતું કે હું વાશીમ જિલ્લામાં ડ્યૂટી પર આવવા બદલ ખુશ છું.
પોતાના પર લગાવવામાં આવેલા આરોપો બદલ ખેડકરે જણાવ્યું હતું કે આ વિષય પર વાત કરવાની સત્તા મારી પાસે નથી. સરકારી નિયમ અનુસાર હું આ વિશે કંઇ ન કહી શકું.
ખેડકરના બંગલે પહોંચી પોલીસ
પૂજા ખેડકર પર ઓડી કાર પર લાલ-ભૂરી બત્તી લગાવી ફરતા હોવાના અને વીઆઇપી નંબર લગાવ્યો હોવાના આરોપની તપાસ કરવા પુણે ખાતે તેમના બંગલા પર પુણે પોલીસ પહોંચી હતી. જોકે, ત્યાં બંગલા પર તાળા લાગેલા જોવા મળ્યા હતા.
માતાએ પત્રકારોને ભગાડ્યાં
વિવાદને પગલે પત્રકારો અને ન્યુઝ ચેનલના કેમેરામેન પૂજા ખેડકરના બંગલે પહોંચતા અંદર રહેલી તેમની માતા કેમેરા ટીમને ત્યાંથી ભગાડતી અને ચાલ્યા જવાનું કહેતી નજરે ચડી હતી.