મહારાષ્ટ્ર

આઇએએસ અધિકારીના સ્વાંગમાં પંચતારક હોટેલમાં છ મહિના મુકામ: મહિલાની ધરપકડ

છત્રપતિ સંભાજીનગર: આઇએએસ અધિકારીના સ્વાંગમાં અહીંની પંચતારક હોટલમાં છ મહિનાથી મુકામ કરનારી મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. મહિલાના મોબાઇલમાંથી અફઘાન એમ્બેસી અને પાકિસ્તાન સહિત કેટલાક ઇન્ટરનેશનલ નંબરો મળી આવ્યા હતા.

એ સિવાય મહિલાના બૅંક ખાતામાં લાખો રૂપિયાના વ્યવહારનો પણ ખુલાસો થયો છે. મહિલાના અફઘાન તેમ જ પાકિસ્તાન કનેકશન સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.

આપણ વાચો: જૂનાગઢમાં નશામાં ધૂત ફાયરકર્મીએ 3 લોકોને અડફેટે લીધા, પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી…

પોલીસે ધરપકડ કરેલી મહિલાની ઓળખ કલ્પના ત્ર્યંબકરાવ ભાગવત (45) તરીકે થઇ હતી. તેના બૅંક ખાતામાં ઘણા બધા સ્રોતમાંથી 32 લાખ રૂપિયા ડિપોઝિટ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આથી પોલીસે મહિલાના ખાતામાં રૂપિયા જમા કરાવનારા દેશના અલગ અલગ ભાગના 13 જણને નોટિસ જારી કરી છે. ધરપકડ બાદ મહિલાને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

છત્રપતિ સંભાજીનગરના જાલના રોડ પર આવેલી પંચતારક હોટેલમાં મુકામ દરમિયાન મહિલાએ જયપુર, ઉદયપુર અને દિલ્હીની મુલાકાત પણ લીધી હતી. તેની આ ટ્રિપ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

રવિવારે વીઆઇપી અવરજવરને ધ્યાનમાં રાખી જાલના રોડ પર હોટેલમાં તપાસ દરમિયાન પોલીસે કલ્પના ભાગવતની ધરપકડ કરી હતી. કલ્પનાએ પોતાની ઓળખ આઇએએસ અધિકારી તરીકે આપી હતી અને તે બોગસ દસ્તાવેજો પર છેલ્લા છ મહિનાથી પંચતારક હોટેલમાં મુકામ કરતી હતી.

આપણ વાચો: ujarat ના વાંકાનેરમાં દુષ્કર્મના ગુનામાં છ વર્ષથી વોન્ટેડ આરોપીની પોલીસે ધરપકડ કરી…

હોટેલની રૂમમાં તલાશી લેવામાં આવતાં ‘અપોઇન્ટમેન્ટ ઇન ધ આઇએએસ ઓન ધ બેસિસ ઓફ સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન 2017’ શીર્ષક હેઠળ પાંચ કાગળ મળી આવ્યાં હતાં, જેના પર તેનું નામ છે. એ સિવાય શંકાસ્પદ ફોટોકોપી અને ઇલેક્ટ્રોનિક ડેટા પર તેની પાસેથી જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

કલ્પના ભાગવતની તપાસ દરમિયાન તેના મોબાઇલમાં અફઘાન એમ્બેસી અને પાકિસ્તાન સહિત કેટલાક ઇન્ટરનેશનલ નંબરો મળી આવતાં પોલીસ ચોંકી ઊઠી છે. કલ્પનાએ અશરફ કિલ નામના વિદેશીને ત્રણ લાખ રૂપિયા મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

મહિલા કોઇ કામ કરતી નહોતી, તેમ છતાં તેના બૅંક અકાઉન્ટમાં વિવિધ સ્રોતમાંથી 32.68 લાખ રૂપિયા જમા કરાયા હતા. આથી તેનું કારણ જાણવા માટે દેશના અલગ અલગ ભાગના 13 જણને નોટિસ મોકલવામાં આવી છે. મહિલા અમુક વિદેશીઓ સાથે વ્હૉટ્સઍપ પર ચેટિંગ પણ કરતી હતી. તેની અને કૉલ રેકોર્ડની વિગતો મેળવવામાં આવી રહી છે.

મહિલાની ઓળખાણ કેટલાક વર્ષ અગાઉ ડ્રાયફ્રૂટ્સના અફઘાનિસ્તાનના વેપારી સાથે થઇ હતી. તેમની મુલાકાત એક સ્કૂલના મેદાનમાં થઇ હતી. એ સમયે મહિલાએ જણાવ્યું હતું કે તે લૉબિસ્ટ અને લાયઝનિંગનું કામ કરે છે. ડ્રાયફ્રૂટનો વેપારી છેલ્લાંં સાત વર્ષથી ભારતમાં રહે છે અને મળવા માટે મહિલા દિલ્હી પણ જતી હતી. મહિલા સામે સિડકો પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ફોર્જરી તથા અન્ય સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button