શિવસેના અને એનસીપીને સન્માનજનક સ્થાન: અમિત શાહ
મહાયુતિમાં બેઠકોની વહેંચણી અંગેનો અંતિમ નિર્ણય દિલ્હીમાં લેવામાં આવશે
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે મુંબઈના એરપોર્ટ પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના નાયબ અજિત પવાર સાથે ટૂંકી બેઠક યોજી હતી. મુંબઈમાં કેટલાક ગણેશ પંડાલની તેમણે મુલાકાત લીધી હતી. મીટિંગમાં શું થયું તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બંને સહયોગીઓને ખાતરી આપી હતી કે રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટે મહાયુતિના ભાગીદારો વચ્ચે બેઠકોની ‘સન્માનજનક’ વહેંચણી કરવામાં આવશે.
એકનાથ શિંદે શિવસેનાના વડા છે, જ્યારે અજિત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ છે અને બંને સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં ભાજપના સાથી છે.
આ પણ વાંચો: અમિત શાહ પહોંચ્યા લાલબાગના રાજાના દરબારમાં, અજિત પવાર ગેરહાજર!
ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને પક્ષના મુખ્ય ચૂંટણી વ્યૂહરચનાકાર અમિત શાહ મુંબઈની બે દિવસની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે રવિવારે સાંજે એક મીડિયા સંસ્થા દ્વારા નિર્મિત ડોક્યુમેન્ટરી રિલીઝ કરવા માટેના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ દક્ષિણ મુંબઈમાં રાજ્ય સરકારના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાજ્ય એકમના કોર કમિટીના સભ્યોને મળ્યા. મુંબઈ છોડતા પહેલાં અમિત શાહ સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલ, એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે અને અન્ય મુખ્ય નેતાઓને એરપોર્ટ પર મળ્યા હતા. એરપોર્ટ પરની આ મુલાકાતમાં અમિત શાહે બંને પક્ષોને બેઠકોની વહેંચણી વખતે સન્માનજનક સ્થાન આપવાની ખાતરી આપી હોવાનું આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યું હતું.
અમિત શાહે આ પહેલાં મુંબઈમાં પ્રખ્યાત ‘લાલબાગચા રાજા’ સહિત કેટલાક ગણેશ પંડાલોની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રીએ ભાજપના વરિષ્ઠ નેતા ફડણવીસના નિવાસસ્થાનની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં સ્થાપિત ગણેશ મૂર્તિની પૂજા કરી હતી. બાદમાં તેમણે મુખ્ય પ્રધાન શિંદેના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલોમાં સ્થાપિત ગણપતિની મૂર્તિ પાસે પ્રાર્થના કરી હતી. (પીટીઆઈ)