પુણે પછી કોલ્હાપુરમાં પણ હિટ એન્ડ રનઃ કારે આઠને અડફેટમાં લીધા, ત્રણનાં મોત

કોલ્હાપુર: પુણે પછી કોલ્હાપુરમાં પણ ‘હિટ એન્ડ રન’નો બનાવ સોમવારે બન્યો હતો. પૂરપાટ ઝડપે આવતી કારે આઠ લોકોને ઉડાવી દીધા હતા, તેમાંથી ત્રણના મોત થયા હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના નજરે જોનારા લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. તાજેતરમાં પુણેમાં પોર્શ કારના અકસ્માતનું પ્રકરણ ગાજ્યું હતું. ત્યાર બાદ પૂરપાટ ઝડપે દોડતાં વાહનો પર મર્યાદા મૂકવાની માંગણી થઈ હતી.
જોકે, સોમવારે બપોરે કોલ્હાપુરમાં એવો જ ‘હિટ એન્ડ રન’ બનાવ બન્યો હતો. શિવાજી યુનિવર્સિટી નજીક આવેલા સાયબર ચોકમાં કાયમ ભીડ હોય છે. આ ચોકમાંથી પસાર થઈ રહેલી એક કારે એક બાજુથી બીજી બાજુ જતી વખતે આશરે 50 મીટરના અંતરમાં ચાર વાહનને ઉડાવી દીધા હતા.
દુર્ઘટના નજરે જોનારા લોકોએ આપેલી માહિતી અનુસાર ચાર ટુ વ્હીલર પર આઠ જણ પ્રવાસ કરી રહ્યા હતા. કારની ટક્કરને કારણે આ પ્રવાસીઓ હવામાં સૂકા પાંદડા ઉડે એ રીતે ફેંકાઈ ગયા હતા. તેમાંથી ચારને સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને અન્ય ચારને સીપીઆર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું હોવાનું કહેવાય છે. વધુ લોકોના મોતની આશંકા છે.