હિંગોલીમાં 14.5 હજારથી વધુ મહિલાઓમાં કેન્સર જેવા લક્ષણો જોવા મળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના હિંગોલીમાં 14,500થી વધુ મહિલાઓમાં સંજીવની યોજના હેઠળ સ્ક્રીનીંગ દરમિયાન ‘કેન્સર જેવા લક્ષણો’ જોવા મળ્યા છે, એવી માહિતી રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રકાશ આબિટકરે ગુરુવારે વિધાનસભામાં આપી હતી.
આઠમી માર્ચથી કુલ 2,92,996 મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો હતો, જે દરમિયાન તેમને કેન્સરના લક્ષણો સંબંધિત પ્રશ્ર્નાવલીના જવાબ આપવા પડ્યા હતા, એમ આબિટકરે ગૃહમાં લેખિત જવાબમાં જણાવ્યું હતું.
આમાંથી 14,542 મહિલાઓમાં કેન્સર જેવા લક્ષણો જોવા મળ્યા હતા. સ્ક્રીનીંગ અને પરીક્ષણો પછી અત્યાર સુધીમાં ત્રણમાં ગર્ભાશયનું કેન્સર, એકમાં સ્તન કેન્સર અને આઠને મૌખિક કેન્સર હોવાનું નિદાન થયું છે. હિંગોલીમાં આ ઝુંબેશ કેન્સરના વહેલા નિદાન અને સારવાર માટે જિલ્લા કલેક્ટરની પહેલ હતી, એવી માહિતી પણ તેમણે આપી હતી.
આ પણ વાંચો: કેન્સરની બીમારીએ દીપિકા કક્કડને જીવનનો આ પાઠ ભણાવ્યોઃ દરેકે સમજવા જેવી છે આ વાત
પ્રધાને એમ પણ કહ્યું કે મહિલાઓ માટે અલગ કેન્સર હોસ્પિટલ સ્થાપવાનો કોઈ પ્રસ્તાવ નથી, જોકે તેમણે ઉમેર્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં કેન્સરના નિદાન માટે આરોગ્ય શિબિરો અને સ્ક્રીનીંગ યોજવામાં આવે છે.
જિલ્લા હોસ્પિટલો અને મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં નિદાન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને ટાટા મેમોરિયલ હોસ્પિટલ દ્વારા તાલીમ પામેલા ‘કેન્સર વોરિયર્સ’ દર મહિને બે વાર નિષ્ણાતો સાથે 11 જિલ્લા હોસ્પિટલોની મુલાકાત લે છે, એમ પણ તેમણે વિધાનસભાને જણાવ્યું હતું.
આઠ જિલ્લા હોસ્પિટલોમાં ડે-કેર કીમોથેરાપી સેન્ટરો શરૂ થયા છે અને તમામ જિલ્લાઓમાં આ સેન્ટરો સ્થાપિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, એમ પણ આબિટકરે જણાવ્યું હતું.