હિન્દી-મરાઠી વિવાદ: શું 16 ભાષા શીખનારા સંભાજી મહારાજ મૂર્ખ હતા: શિંદેસેનાના વિધાનસભ્યનો સવાલ

છત્રપતિ સંભાજીનગર: એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે છત્રપતિ સંભાજી મહારાજની સુપ્રસિદ્ધ બહુભાષી પ્રતિષ્ઠાને ટાંકીને ઉદ્ધવ અને રાજ ઠાકરે પર હિન્દી અને રાજ્યની શાળાઓમાં ત્રણ ભાષા નીતિના ઉગ્ર વિરોધ માટે હુમલો કર્યો હતો.
ઠાકરે પિતરાઈ ભાઈઓએ શનિવારે મુંબઈમાં બે દાયકામાં પ્રથમ વખત સંયુક્ત રેલીનું આયોજન કર્યું હતું, જેથી દેવેન્દ્ર ફડણવીસ સરકારને એનઈપી-2020 હેઠળ ત્રણ ભાષાની નીતિ અને અંગ્રેજી અને મરાઠી માધ્યમની શાળાઓમાં પહેલા ધોરણથી હિન્દી શીખવવા સંબંધિત બે સરકારી ઠરાવો (જીઆર) પાછા ખેંચાવવામાં તેમની ‘સફળતા’ નિમિત્તે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: ભવિષ્યમાં પણ ત્રણ ભાષાની નીતિ સ્વીકારશે નહીં: સંજય રાઉત
‘શું છત્રપતિ સંભાજી મહારાજ 16 ભાષાઓ શીખવા માટે મૂર્ખ હતા? તારાબાઈ અને જીજાબાઈ હિન્દી સહિત અનેક ભાષાઓ જાણતા હતા. શું તેઓ પણ મૂર્ખ હતા? આપણે બધાએ શક્ય તેટલી ભાષાઓ શીખવી જોઈએ,’ એમ ગાયકવાડે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું.
‘ભાષાના મુદ્દા પર રાજકારણ થવું ખોટું છે. જો આપણે આતંકવાદને રોકવા માગતા હોઈએ તો આપણે ઉર્દૂ પણ શીખવું જોઈએ. મેં આ ઘણી વાર કહ્યું છે,’ એમ બુલઢાણાના વિધાનસભ્યે ઠાકરે પિતરાઈ ભાઈઓની ટીકા કરતાં કહ્યું હતું.
ઈતિહાસકારોના મતે, છત્રપતિ સંભાજી મહારાજ એક ઉચ્ચ શિક્ષિત રાજા હતા જેમણે સંસ્કૃત, મરાઠી અને હિન્દુસ્તાની સહિત અનેક ભાષાઓમાં નિપુણતા મેળવી હતી, અને આ ભાષાઓમાં તેમના કાર્યોને ખૂબ જ ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તાવાળા માનવામાં આવે છે.