પુણેમાં વરસાદનો હાહાકાર, જનજીવન થયું અસ્તવ્યસ્ત

પુણેમાં બુધવાર રાતથી જ ભારે વરસાદ ચાલી રહ્યો છે જેને કારણે અહીંના લોકોનો જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. પુણેના સિંહગઢ રોડ સહિત નદી કિનારાના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. પુણે શહેરની જેમ પિંપરી-ચિંચવડમાં પણ વરસાદ ચાલુ છે અને અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લાલ ટોપી નગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર શહેરની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેમણે પ્રશાસનને તમામ પગલા લેવાનો આદેશ આપ્યો છે.
હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર કલાકમાં મુંબઈ, પણે, રાયગઢ, થાણે, પાલઘર, નાસિક, રત્નાગીરી, સાંગલી, હીંગોલી, પરભણી, લાતુર, કોંકણ અને મધ્ય પ્રદેશ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. પુણે જિલ્લામાં હાલમાં પણ ભારે વરસાદ ચાલુ છે. વરસાદના કારણે અહીંની નદીઓના જળસ્તરમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. માવળમાં આવેલું કુંડેવી મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તમામ નદીઓ છલકાઈ ગઈ છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને રાહત કાર્ય માટે બચાવ ટીમ અને આઠ બોટની વ્યવસ્થા કરી છે અને જિલ્લા કલેકટરે પુરમાં ફસાયેલા લોકોને ખોરાક અને પીવાનું પાણી આપવા માટેની સૂચના આપી છે.
દરમિયાનમાં મળતી માહિતી મુજબ નદીના પટમાં આવેલો સ્ટોલ હટાવવા ગયેલા ત્રણ નાગરિકોના મૃત્યુ થયા છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે આવેલો તિલક બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને કારણે આ વિસ્તારનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને એનડીઆરએફની ટીમોને બોલાવવામાં આવી છે. આ ટીમને બચાવ કામગીરી માટે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં મોકલવામાં આવી છે. અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે અને કાર પાર્કિંગ પણ પાણીમાં ડૂબી ગયા છે.
તાલેગાંવ દાભાડે સહિત પુણેના આસપાસના વિસ્તારોમાં પણ આવો જ નજારો જોવા મળી રહ્યો છે. ઇન્દ્રાયણી નદી ઓવરફ્લો થઈ રહી છે, જેને કારણે પર્યટન સ્થળ કુંડમાળાના સાકવ બ્રિજ સુધી પાણી પહોંચી ગયું છે અને ત્યાં આવેલા માતાનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. નોંધનીય છે કે ઘણા પ્રવાસીઓ વરસાદથી મોસમમાં કુંડમાલા વિસ્તારની મુલાકાત લેવા આવે છે પરંતુ કુંડમાંલા ખાતે પાણી લાલ થઈ જતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.