કેજરીવાલના પરાજયથી હજારે ખુશ, મોદી સરકાર સામેના આક્ષેપો અંગે ચુપ: સંજય રાઉત

મુંબઈ: પીઢ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના પરાજયથી ઘણા ખુશ છે, એમ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું હતું.
જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્ર સરકાર પર કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે તેમની ચુપકીદી પર તેમણે સવાલ ઉપસ્થિત કર્યા હતા.
મોદીના શાસનકાળમાં ભ્રષ્ટાચાર થયો ત્યારે હજારે ક્યાં ગયા હતા? હજારે કેજરીવલાના પરાજય પર ખુશ થઈ રહ્યા છે. દેશને લુંટવામાં આવી રહ્યો છે અને એક જ ઉદ્યોગપતિના હાથમાં સંપત્તિ એકઠી થઈ રહી છે. આવી સ્થિતિમાં લોકશાહી કેવી રીતે ચાલી શકે છે? આવા સમયે હજારેની ચુુપકીદી પાછળ શું કારણ હશે? એવા સવાલ રાઉતે કર્યા હતા.
આપણ વાંચો: ભાજપમાં ઘણા લોકો સેના (યુબીટી) સાથે ગઠબંધન ઈચ્છે છે: સંજય રાઉતે કર્યો મોટો દાવો
મહારાષ્ટ્ર અને દિલ્હીમાં મતદાર યાદીના ગોટાળાની સમાન પદ્ધતિ જોવા મળી હતી, પરંતુ આવા સમયે પણ હજારેએ ચુપકીદી રાખવાનું પસંદ કર્યું હતું. આવી જ ફરિયાદો હરિયાણામાં પણ જોવા મળી હતી. આવું જ બધું બિહારની ચૂંટણીમાં પણ કરવામાં આવશે, એમ શિવસેના (યુબીટી)ના રાજ્યસભાના સાંસદે રવિવારે કહ્યું હતુંં.
2014માં ભાજપ સત્તામાં આવી ત્યારથી ચૂંટણીઓ બંધારણીય પ્રક્રિયાનું પાલન કરતી નથી, એવો આક્ષેપ તેમણે કર્યો હતો.
રાઉતે એવો આરોપ કર્યો હતો કે ગોટાળા અને પૈસાના જોરે વિજય મેળવવામાં આવી રહ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે શનિવારે દિલ્હીની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી હજારેએ કહ્યું હતું કે મેં કેજરીવાલને આપી હતી તે સલાહ પર તેણે ધ્યાન આપ્યું નહોતું અને ફક્ત દારૂ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.