પુત્રની હત્યાનું વેર વાળવા દોહિત્રને ગોળીએ દીધો: નાના સહિત છ આરોપીની ધરપકડ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

પુત્રની હત્યાનું વેર વાળવા દોહિત્રને ગોળીએ દીધો: નાના સહિત છ આરોપીની ધરપકડ

પુણે: પુણેમાં પુત્રની હત્યાનું વેર વાળવાને ઇરાદે દોહિત્રને ગોળીએ દેવાના કેસમાં પુણે પોલીસે આંદેકર ગૅન્ગના લીડર બંડુ આંદેકર સહિત છ આરોપીની ધરપકડ કરી હતી.

વધુ છ આરોપીના પકડાવાથી આયુષકોમકર (18)ની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા આઠ પર પહોંચી હતી. આ કેસમાં અગાઉ બે આરોપી યશ પાટીલ અને અમિત પટોળેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ બંડુ આંદેકર આયુષના નાના છે. એનસીપીના નેતા વનરાજ આંદેકરની બહેનના દીકરા આયુષની પાંચમી સપ્ટેમ્બરની સાંજે પુણેના નાના પેઠ વિસ્તારમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

આયુષની હત્યામાં બંડુ આંદેકર અને અન્ય ત્રણ જણને બુલઢાણા જિલ્લાના મેહકર ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા. ત્રણેય ફરાર થવાની તૈયારીમાં હતા ત્યારે ઝડપાઈ ગયા હતા. અન્ય બે આરોપીને પુણેમાંથી તાબામાં લેવાયા હોવાનું પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું.

વનરાજની બીજી બહેન સંજીવની અને આયુષના પિતા ગણેશ કોમકર એનસીપીના નેતા વનરાજની હત્યાના કેસમાં આરોપી છે. વનરાજની ગયા વર્ષની પહેલી સપ્ટેમ્બરે એ જ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. મિલકત વિવાદને કારણે પરિવારમાં ચાલતા ડખાને પગલે વનરાજને ગોળીએ દેવાયો હતો.

આયુષની હત્યાનું કાવતરું વનરાજના પિતા બંડુ આંદેકરે ઘડ્યું હતું. બંડુ અને તેના સગાં હત્યા કેસના મુખ્ય આરોપી હોવાનું પોલીસનું કહેવું છે.
(પીટીઆઈ)

આ પણ વાંચો…ત્રણ વર્ષની ભાણેજને મારી નાખ્યા પછી માનસિક અસ્થિર માસીની આત્મહત્યા

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button