સરકારી નોકરી અપાવવાની લાલચે અનેક યુવાનને છેતરનારો પકડાયો
મંત્રાલયમાં ઈન્ટરવ્યૂ અને સરકારી હૉસ્પિટલમાં તબીબી તપાસ પણ કરાવાઈ

નાગપુર: મંત્રાલયમાં જુનિયર ક્લર્કની નોકરીની ખાતરી આપી અનેક યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓએ નોકરી ઇચ્છુકોના મંત્રાલયની અંદર ઈન્ટરવ્યૂ પણ લીધા હતા, જે બોગસ હોવાનું જણાયું હતું. આરોપીના છ સાથીની પોલીસ શોધ ચલાવી રહી છે.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ લૉરેન્સ હેન્રી (45) તરીકે થઈ હતી. મ્હાલગીનગરમાં રહેતા હેન્રી અને તેના સાથીઓએ ફરિયાદી રાહુલ તાયડેને સરકારી નોકરીની ખાતરી આપી હતી. નોકરીને બહાને તેની પાસેથી સમયાંતરે નાણાં પડાવવામાં આવ્યાં હતાં.
આપણ વાંચો: જૂનાગઢના તબીબ દંપતી સાથે કોન્ટ્રાક્ટ અને સરકારી નોકરીના નામે 50 લાખની છેતરપિંડી
નોકરીના નિયમો અનુસાર રાહુલને તબીબી તપાસ માટે જે. જે. હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. એ સિવાય મંત્રાલયમાં આવેલી એક કૅબિનમાં તેનો ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યો હતો. એ કૅબિન બહાર ‘શિલ્પા ઉદાપુરે’ની નેમપ્લૅટ લાગેલી હતી.
ફરિયાદ અનુસાર રાહુલને બનાવટી આઈ કાર્ડ આપવામાં આવ્યું હતું, જેની મદદથી તે નોકરી માટે મંત્રાલયમાં પ્રવેશ મેળવી શકે. જોકે તેને એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો નહોતો, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
આપણ વાંચો: સેબીને નામે સોશિયલ મીડિયા પર છેતરપિંડીના પ્રયાસ!
જોકે બાદમાં તેને બોગસ ઈન્ટરવ્યૂ અને અન્ય ખોટી પ્રક્રિયાની જાણ થઈ હતી. પોતે છેતરાયો હોવાનું માલૂમ પડતાં તેણે હુડકેશ્ર્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે હેન્રીની ધરપકડ કરી હતી.
રાહુલે દાવો કર્યો હતો કે આ ટોળકીએ રાજ્યમાં નોકરી ઇચ્છુક 200થી વધુ લોકોને છેતરીને નાણાં પડાવ્યાં હતાં, જેની હુડકેશ્ર્વર, ચંદ્રપુર અને વર્ધામાં પોલીસ ફરિયાદો નોંધાઈ છે. (પીટીઆઈ)