રાજ્યમાં નર્સિંગ કોર્સની બેઠકો વધારવાનો સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં આરોગ્ય સંબંધિત વિવિધ સુવિધા પૂરી પાડવાની સાથે હોસ્પિટલમાં દર્દીઓને સર્વોત્તમ સુવિધા પૂરી પાડવા માટે નવી નર્સિગ કોલેજ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ સરકારે જણાવ્યું હતું.
રાજ્યમાં ચેપી રોગોના પ્રકોપને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પેરામેડિકલ અભ્યાસક્રમમાં ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નવી યોજના મુજબ રાજ્યની સરકારી કોલેજોમાં વધુ નર્સિંગ કોર્સ કોલેજ (બીએસસી નર્સિંગ) શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્યના સાત જિલ્લાની હોસ્પિટલોમાં ૧૦૦ વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતી કોલેજો શરૂ કરવામાં આવશે. તેથી ટૂંક સમયમાં રાજ્યમાં બીએસસી નર્સિંગ કોર્સની ૭૦૦ બેઠક વધશે.
જળગાંવ, લાતુર, બારામતી, સાંગલી (મિરજ), કોલ્હાપુર, નંદુરબાર અને ગોંદિયા જિલ્લામાં આ બેઠકો વધારવામાં આવશે. કેન્દ્ર સરકારની નર્સિંગ એજ્યુકેશન સ્કીમ હેઠળ નંદુરબાર અને ગોંદિયા મેડિકલ કોલેજોમાં નવી નર્સિંગ કોલેજો શરૂ કરવામાં આવી રહી છે.
આ ૭ જિલ્લામાં શરૂ થનારી સરકારી નર્સિંગ ડિગ્રી કોલેજો માટે પ્રથમ ચાર વર્ષ માટે આશરે રૂ. ૨૦૬ કરોડ ૮૫ લાખ અને પાંચમા વર્ષથી રૂ. ૧૬ કરોડ ૩૪ લાખ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવશે.