Good News: સાકરના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર સતત ત્રીજા વર્ષે દેશમાં મોખરે

મુંબઈ: ૧૦૯ લાખ મેટ્રિક ટનથી વધુ ખાંડનું ઉત્પાદન કરીને સતત ત્રીજા વર્ષે મહારાષ્ટ્રે ખાંડના ઉત્પાદનમાં તેનું સ્થાન જાળવી રાખ્યું છે. ઉત્તર પ્રદેશમાં ૧૦૫ લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થવાની ધારણા છે. વર્ષની શરૂઆતમાં વરસાદ અને ઇથેનોલ ઉત્પાદન પર પ્રતિબંધને કારણે ખાંડનું ઉત્પાદન અનુમાન કરતાં ૧૫થી ૨૦ ટકા વધ્યું છે.
ગયા વર્ષે અનિયમિત વરસાદ અને વાતાવરણમાં ફેરફારને કારણે શેરડીના પાકને અસર થઈ હતી. તેથી સિઝનની શરૂઆતમાં રાજ્યમાં ૮૫ લાખ મેટ્રિક ટન અને સુધારેલા અંદાજ મુજબ ૯૫ લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થવાનો અંદાજ હતો.
આ પણ વાંચો : ભાજપને I.N.D.I.A. ગઠબંધન જોરદાર ટક્કર આપી રહ્યું હોવાનો કોંગ્રેસના નેતાનો દાવો
કેન્દ્રએ દેશમાં તેમજ રાજ્યમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી હતી. આથી, ૨૦૨૩-૨૪ની શેરડીની સિઝન શરૂ થતાં જ કેન્દ્રએ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શેરડીના રસમાંથી ઇથેનોલના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો હતો, પરિણામે ખાંડની ઉપજમાં વધારો થયો.
રાજ્યની ૨૦૭ ખાંડ મિલમાંથી ૧૮૯ મિલ ૧૫ એપ્રિલ સુધી બંધ હતી. મરાઠવાડામાં ૧૮ ફેક્ટરીઓનું સ્ક્રીનિંગ હજુ ચાલુ છે. અત્યાર સુધીમાં ૧૦૯ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે અને તેમાં વધુ વધારો થવાની ધારણા છે.
દેશમાં ૫૩૫ ફેક્ટરીએ અત્યાર સુધીમાં ૩૧૮ લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. આમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક એમ ત્રણ રાજ્યનો હિસ્સો ૮૩ ટકા છે. મહારાષ્ટ્ર પછી ઉત્તર પ્રદેશમાં, ૧૨૧ ફેક્ટરીઓએ ૧૦.૫ લાખ ટન, કર્ણાટકમાં, ૭૬ ફેક્ટરીઓએ ૫૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે.