રાયગઢના પાલક પ્રધાનપદ માટે મારી ઉમેદવારીનો એનસીપીના સાંસદ સુનિલ તટકરેએ વિરોધ કર્યો: ભરત ગોગાવલે
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને શિવસેનાના વિધાનસભ્ય ભરત ગોગાવલેએ સોમવારે એવો આરોપ લગાવ્યો હતો કે એનસીપીના પ્રદેશ પ્રમુખ સુનિલ તટકરેએ રાયગઢ જિલ્લાના પાલક પ્રધાનપદ માટેના તેમના દાવાનો વિરોધ કર્યો હતો.
અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ ગોગાવલેના આરોપોને ફગાવી દીધા અને શિવસેનાના વડા એકનાથ શિંદેને વાચાળ નેતાઓ પર લગામ લગાવવાની અપીલ કરી હતી.
ગોગાવલેએ જણાવ્યું કે રાયગઢ માટે પાલક પ્રધાનની નિમણૂંક અંગેનો નિર્ણય ટૂંક સમયમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને એનસીપીના વડા અજિત પવાર દ્વારા લેવામાં આવશે.
રાયગઢ જિલ્લા માટે પાલક પ્રધાનપદ શિવસેના અને એનસીપી વચ્ચે વિવાદનું કેન્દ્ર બની ગયું છે, જે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિના સભ્યો છે.
આ પણ વાંચો: હિંડનબર્ગ કેસની વધુ સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
ગોગાવલે અને એનસીપીના પ્રધાન તેમ જ એનસીપીના સાંસદ સુનિલ તટકરેનાં પુત્રી અદિતિ તટકરે વચ્ચેના ઘર્ષણને કારણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને અદિતિને આ પદની ફાળવણી પર રોક લગાવવાની ફરજ પડી હતી.
‘એકનાથ શિંદેએ પાલક પ્રધાનપદ માટે મારું નામ પ્રસ્તાવિત કર્યું હતું. આ સંઘર્ષ એક અલગ કારણોસર થયો હતો. અમે લોકસભા ચૂંટણી દરમિયાન ગઠબંધનના ઉમેદવાર સુનીલ તટકરે માટે પૂરા દિલથી કામ કર્યું હતું અને ખાતરી કરી હતી કે અમારા પ્રયાસોમાં કોઈ ભૂલ ન થાય,’ એમ ગોગાવલેએ પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે આરોપ લગાવ્યો કે શિવસેનાએ સુનીલ તટકરેને ટેકો આપ્યો હોવા છતાં, તેઓ અમારી વિરુદ્ધ કામ કરી રહ્યા છે અને અમારા પર ખોટા આરોપ લગાવી રહ્યા છે.
‘હું પાલક પ્રધાનપદની દોડમાં હોવાથી, તેઓ (સુનીલ તટકરે) મને ત્યાં ઇચ્છતા નથી,’ એવો આરોપ રાયગઢ જિલ્લાના મહાડના વિધાનસભ્ય ગોગાવલેએ લગાવ્યો હતો.
તેમણે આરોપ લગાવ્યો કે રાયગઢના સાંસદ સુનીલ તટકરેએ વિધાનસભા ચૂંટણીમાં તેમને અને અન્ય ગઠબંધનના સભ્યોને હરાવવા માટે વિપક્ષના નેતાઓ સાથે જોડાણ કર્યું હતું.
‘સુનીલ તટકરેએ અલગ અલગ વ્યક્તિઓ સાથે સમાધાન કર્યું હતું જેથી અમે ચૂંટણી હારી જઈએ. તેમણે અલીબાગના વિધાનસભ્ય મહેન્દ્ર દળવીને હરાવવા માટે પીડબ્લ્યુપીના જયંત પાટીલ સાથે પણ હાથ મિલાવ્યા હતા.’
‘તેમજ, તેમણે મારા વિરોધીઓ સાથે મારી વિરુદ્ધ કામ કર્યું. જો અમે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ ભૂલ કરી હોય, તો તેમને બતાવવા દો. તેમનો સાચો સ્વભાવ હવે બહાર આવી ગયો છે, અને તેથી જ અમે ગુસ્સે છીએ,’ એમ ગોગાવલેએ ઉમેર્યું હતું.
તેમણે સુનીલ તટકરે અને તેમની પુત્રી અદિતિ પર શિવસેનાના કાર્યકરો સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો.
‘અમે તેમના માટે બધું કર્યું, અને જો તેઓ આવું વર્તન કરે છે, તો તે કેવી રીતે વાજબી છે?’ એમ તેમણે પૂછ્યું હતું.