દક્ષિણ ગોવામાં ખતરનાક અકસ્માતઃ બસ ઝૂંપડીઓમાં ઘૂસતાં ૪ મજૂરનાં મોત

પણજીઃ દક્ષિણ ગોવા જિલ્લામાં એક ઔદ્યોગિક વસાહતમાં એક ખાનગી બસ રસ્તાની બાજુની બે ઝૂંપડીઓમાં ઘૂસી જતાં ચાર મજૂરોના મોત થયા હતા અને અન્ય પાંચ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર વેર્ના ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગઈકાલે રાત્રે લગભગ ૧૧-૩૦ વાગ્યે અકસ્માત થયો હતો. આ દરમિયાન રસ્તાના બાંધકામના કામમાં રોકાયેલા મજૂરો ઝૂંપડીમાં સૂઇ રહ્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક સંતોષ દેસાઇએ જણાવ્યું હતું કે નજીકના કાર્ટોલિમ ગામના રહેવાસી ભરત ગોવેકર તરીકે ઓળખાતા બસ ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડ્રાઇવરની તબીબી તપાસમાં પુષ્ટિ થઇ છે કે તે દુર્ઘટના સમયે દારૂના નશામાં હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ખાનગી કંપનીના સ્ટાફને લઇ જતી બસે બે ઝૂંપડીઓને ટક્કર મારી હતી જ્યાં મજૂરો સૂતા હતા. ચાર મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે પાંચ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : અરે વાહ! માત્ર 5 કલાકમાં પહોંચાશે મુંબઈથી ગોવા
પોલીસે જણાવ્યું હતું કે મજૂરો કોન્ટ્રાક્ટર દ્વારા કામે હતા. એક મજૂરો દાવો કર્યો હતો કે ઘટના પછી બસના ડ્રાઇવરે અમને ધમકી આપી કે જો અમે કોઇને ફરિયાદ કરીશું તો તે જાનથી મારી નાખશે. ડ્રાઇવર દારૂના નશામાં હતો. તેણે એમ પણ દાવો કર્યો હતો કે તબીબી મદદ સ્થળ પર મોડી પહોંચી હતી જેથી પીડિતોને મારગાવની જિલ્લા હોસ્પિટલમાં લઇ જવામાં વિલંબ થયો હતો.