પડોશી નહીં, પિશાચ ઝઘડાનો બદલો લેવા બહેન સાથે દુષ્કર્મ કરવા સગા ભાઈને ઉશ્કેર્યો | મુંબઈ સમાચાર

પડોશી નહીં, પિશાચ ઝઘડાનો બદલો લેવા બહેન સાથે દુષ્કર્મ કરવા સગા ભાઈને ઉશ્કેર્યો

માતા સાથે વેર વાળવાની પડોશીની વાતમાં ઘણસોલીનો માનસિક રીતે અક્ષમ છોકરો આવી પણ ગયો: કુકર્મ કર્યું, વીડિયો ઉતાર્યો અને વાયરલ કર્યો

થાણે: નવી મુંબઈના ઘણસોલી વિસ્તારમાં બનેલી આંચકાજનક ઘટનામાં વેર વાળવાની વૃત્તિથી મહિલાએ પડોશમાં રહેતા 10 વર્ષના છોકરાને તેની છ વર્ષની સગી બહેન સાથે શરમજનક કૃત્ય કરવા ઉશ્કેર્યો હતો. છોકરો માનસિક રીતે અક્ષમ હોવાથી આરોપી મહિલાની સૂચનાને અનુસરી બહેન સાથે કુકર્મ કરી બેઠો હતો અને આ શરમજનક કૃત્યનો વીડિયો ઉતારી મહિલાએ સોશ્યલ મીડિયા પર વાયરલ પણ કર્યો હતો.

ઘણસોલીમાં રહેતી મહિલાની ફરિયાદને આધારે રબાળે પોલીસે મંગળવારે 40 વર્ષની મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 79, 356(2), 352 અને 351 (2) હેઠળ ગુનો નોંધ્યો હતો. મહિલા વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ અને આઈટી ઍક્ટ પણ લગાવવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: છ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યાના કેસનો આરોપી ભિવંડી કોર્ટમાંથી ફરાર

રબાળે પોલીસે પ્રાથમિક તપાસ બાદ આરોપી મહિલાની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં રહેલી મહિલાની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદી મહિલા ઘણસોલીમાં આરોપી મહિલાના પડોશમાં જ રહે છે. ફરિયાદીએ આરોપી મહિલાના પતિને બે હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા, જેની જાણ આરોપીને થઈ હતી. આ વાતને લઈ દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા. ઝઘડા માટે પડોશમાં રહેતી ફરિયાદી મહિલા જવાબદાર હોવાનું માની આરોપીના મનમાં રોષભાવ જાગ્યો હતો.

ફરિયાદી સામે વેર વાળવાને ઇરાદે આરોપીએ ફરિયાદીનાં સંતાનોને ટાર્ગેટ કર્યાં હતાં. કહેવાય છે કે સોમવારે ફરિયાદીનાં બન્ને સંતાન ઘરબહાર રમતાં હતાં. આરોપીએ ફરિયાદીના માનસિક રીતે અક્ષમ છોકરાને તેની સગી બહેન સાથે શરમજનક કૃત્ય કરવા ઉશ્કેર્યો હતો. નબળી માનસિક સ્થિતિને કારણે છોકરાએ અજાણતામાં આરોપીની સૂચનાને અનુસરી બહેન સાથે કુકર્મ કર્યું હતું.

આપણ વાંચો: સગીરાઓના વિનયભંગ અને મહિલા સાથે દુષ્કર્મનાકેસમાં ભાજપના પ્રધાનના નિકટવર્તીની ધરપકડ…

ફરિયાદમાં જણાવાયું હતું કે બાળકોનો અશ્ર્લીલ વીડિયો બનાવી આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર અપલૉડ કર્યો હતો. વીડિયો સાથે આરોપીએ ફરિયાદી માટે અશ્ર્લીલ અને અપમાનજનક ટિપ્પણી પણ લખી હતી. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની જાણ ફરિયાદીને મંગળવારે થતાં જ તેણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button