ગેટ્સ ફાઉન્ડેશન મહારાષ્ટ્ર સરકાર સાથે રાજ્યને મેલેરિયા મુક્ત બનાવવા માટે ભાગીદારી કરશે: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું કે ગેટ્સ ફાઉન્ડેશન રાજ્યને મેલેરિયા મુક્ત બનાવવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે ભાગીદારી કરશે.
માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ દ્વારા સ્થાપિત આ સંસ્થા, એક ખાનગી પરોપકારી સંસ્થા છે, જે વૈશ્વિક આરોગ્ય સુધારવા, ગરીબી ઘટાડવા અને શિક્ષણની પહોંચ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
મુખ્ય પ્રધાનના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ફડણવીસે દક્ષિણ મુંબઈના ‘સહ્યાદ્રી’ ગેસ્ટ હાઉસમાં બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી અને બંનેએ આરોગ્ય, કૃષિ અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના ઉપયોગ અંગે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: ગેટ્સ ફાઉન્ડેશને હેલ્થ ઈનોવેશન માટે 8.6 બિલિયન ડૉલરના રેકોર્ડ વાર્ષિક બજેટની જાહેરાત કરી
ગેટ્સ હાલમાં ભારતની મુલાકાતે છે. તેઓ આ અઠવાડિયાની પ્રારંભમાં નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય કેન્દ્રીય પ્રધાનોને મળ્યા હતા.
‘અમારી વચ્ચે વિવિધ વિષયો પર ખૂબ સારી ચર્ચા થઈ હતી, જેમાં યુવાનો, ખેડૂતો, ગરીબો અને મહિલાઓ માટે મહારાષ્ટ્રની પહેલો અને યોજનાઓ, જેમ કે લખપતિ દીદી અને લાડકી બહેન યોજના, જેણે આર્થિક ઉત્થાનમાં ભારે યોગદાન આપ્યું છે, તેનો સમાવેશ થાય છે,’ એમ ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું.
આ પોસ્ટમાં, મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, તેમણે ગેટ્સ સાથે રાજ્યભરમાં ઝડપથી બદલાતી નવીનતમ તકનીકો અને એઆઈ-સંચાલિત પહેલો અપનાવવા અંગે પણ ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: બિલ ગેટ્સ મુંબઈમાં ફડણવીસને કેમ મળ્યા, જાણો શું થઈ ચર્ચા?
‘બિલ ગેટ્સે અમને જણાવ્યું હતું કે ગેટ્સ ફાઉન્ડેશન મહારાષ્ટ્રને મેલેરિયા મુક્ત બનાવવા માટે અમારી (મહારાષ્ટ્ર સરકાર) સાથે ભાગીદારી કરશે. અમે ડેન્ગ્યુ નિયંત્રણ અને નાવિન્યપૂર્ણ નગરવિકાસમાં ભાગીદારી સાથે આરોગ્ય, કૃષિ અને માળખાગત સુવિધાઓમાં એઆઈ-સંચાલિત પ્રગતિઓ પર પણ ચર્ચા કરી હતી,’ એમ તેમણે કહ્યું હતું.
‘એક ખાસ પહેલ એઆઈમાં 10,000 મહિલાઓને તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, તેમના ટેક ક્રાંતિમાં સમાવેશકતાને પ્રોત્સાહન આપશે,’ એમ તેમણે કહ્યું હતું.
ફડણવીસે ઉમેર્યું હતું કે, મહારાષ્ટ્ર ડિજિટલ ગવર્નન્સ અને સેવાના અધિકાર માટે એક મોડેલ બનવા માટે પ્રતિબદ્ધ છે.