આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ગૅંગવોર ફાટી નીકળી છે: ઉદ્ધવ ઠાકરેનો ગંભીર આક્ષેપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સાવંતવાડીમાં એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં જ ગેંગવોર ફાટી નીકળી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમજવું જોઈએ કે અન્ય પાર્ટીમાં ભંગાણ પાડીને લાવવામાં આવેલા નેતાઓને કારણે ભાજપના એકમો નબળા પડી રહ્યા છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની ટિપ્પણી ઉલ્હાસનગરમાં શિંદે જૂથના નેતા પર ભાજપના વિધાનસભ્ય દ્વારા કરવામાં આવેલા ગોળીબારના બનાવના બે દિવસ બાદ આવી છે. વિધાનસભ્ય ગણપત ગાયકવાડની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે શિંદે સેનાના કલ્યાણ એકમના વડા મહેશ ગાયકવાડની હાલત અત્યંત ગંભીર છે.

સાવંતવાડીમાં એક રેલીને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે એક સમયે રાજ્યમાં શિવસેના-ભાજપની યુતિ સરકાર હતી ત્યારે 90ના દાયકામાં તેમણે મુંબઈની અંડરવર્લ્ડ ગેંગની કમર તોડી નાખવાનું કામ કર્યું હતું.

હવે, અત્યારની સરકારમાં ફરી ગેંગવોર ફાટી નીકળી છે. ત્રીજી ગેંગ તો રૂ. 70,000 કરોડના સિંચાઈ કૌભાંડમાં ગળા સુધી ડુબેલી છે આથી તેઓ માથું ઊંચું કરી શકે તેમ નથી, એમ ઠાકરેએ કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમજવું જોઈએ કે અન્ય પાર્ટીઓમાં ભંગાણ પાડીને તેમના નેતાઓને પોતાની સાથે લેવાના પ્રયાસમાં રાજ્યમાં ભાજપના એકમો નબળા પડી રહ્યા છે.

ઠાકરેએ કહ્યું હતું કે તેઓ કોઈ વ્યક્તિનો વિરોધ કરતા નથી, તેઓ ફક્ત જૂઠાણાં અને સરમુખત્યારશાહીનો વિરોધ કરી રહ્યા છે.

દેશને એવી સરકારની આવશ્યકતા નથી, જેની પાસે સંપૂર્ણ બહુમતી હોય, પરંતુ ઈન્ડિયા ગઠબંધનની સરકારની આવશ્યકતા છે જેઓ બધાને સાથે લઈને ચાલી શકે.

જો ભાજપ ફરીથી લોકસભાની ચૂંટણી જીતી જશે તો આગામી વર્ષે કોઈ ગણતંત્ર દિવસ નહીં હોય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button