ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના સાગરીત સહિત ત્રણ પકડાયા
અકોલા: અકોલા જિલ્લાના એક કૂવામાંથી જપ્ત કરવામાં આવેલાં શસ્ત્રોના કેસમાં પોલીસે ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના સાગરીત સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન માટે ધમકીભર્યા મેસેજ મોકલવાના મામલામાં ગૅન્ગસ્ટર બિશ્ર્નોઈનું નામ સામે આવ્યા પછી પોલીસે તેની પૂછપરછ પણ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મળેલી માહિતીને આધારે પોલીસની ટીમે 16 જાન્યુઆરીએ અકોલ સ્થિત એક કૂવામાંથી બે પિસ્તોલ અને નવ કારતૂસ જપ્ત કરી હતી. આ પ્રકરણે આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી પ્રફુલ વિનાયક ચવ્હાણ (25) અને અજય તુલારામ દેઠે (27)ની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે પુુણેમાં રહેતા શુભમ રામેશ્ર્વર લોણાર (25)ને ઇશારે અજાણ્યા સપ્લાયરે શસ્ત્રો ચવ્હાણ સુધી પહોંચાડ્યા હતા. કેસનો માસ્ટમાઈન્ડ લોણાર હોવાનું સામે આવતાં પોલીસે 30 જાન્યુઆરીએ તેની પણ ધરપકડ કરી હતી.
લોણારે 2022 અને 2023માં બે વખત વ્હૉટ્સઍપ વીડિયો કૉલથી ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈનો સંપર્ક સાધ્યો હતો. એ સિવાય ત્રણ અલગ અલગ ઈન્ટરનૅશનલ નંબર પરથી લોણારને વ્હૉટ્સઍપ ઓડિયો કૉલ્સ આવ્યાનું તપાસમાં જણાયું હતું.
લોણારને જે નંબર પરથી ફોન આવ્યા હતા તેમાંથી એક ગૅન્ગસ્ટરના ભાઈ અનમોલ બિશ્ર્નોઈનો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.અકોલામાં શસ્ત્રોનું પાર્સલ પહોંચાડવા પાછળનો હેતુ જાણવા માટે પોલીસે વચેટિયાની શોધ ચલાવી રહી છે. લૉરેન્સ બિશ્ર્નોઈ અને અન્યો સાથેના વ્હૉટ્સઍપ વીડિયો અને ઓડિયો કૉલની માહિતી પોલીસ મેળવી રહી છે, એવું પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બચ્ચન સિંહે જણાવ્યું હતું. (પીટીઆઈ)