ગણેશ નાઈકે એનએમએમસીમાં 14 ગામોના સમાવેશનો વિરોધ કર્યો: 6,000 કરોડ રૂપિયાના બોજનું કારણ આપ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: શીળ-તળોજા માર્ગ પરના 14 ગામોને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી)માં પુન: વિલીન કરવાના નિર્ણયનો ઐરોલીના વિધાનસભ્ય અને વન ખાતાના પ્રધાન ગણેશ નાઈકે જોરદાર વિરોધ કર્યો છે. એનએમએમસી પર 6,000 કરોડ રૂપિયાના મોટા નાણાકીય બોજનો ઉલ્લેખ કરીને, નાઈકે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને આ પગલાંને રદ કરવા વિનંતી કરી છે.
આગામી લોકસભાની ચૂંટણી પહેલાં, નાઈકે આ પગલાનો સખત વિરોધ કર્યો હતો. હવે, તેમણે મુખ્ય પ્રધાનને ઔપચારિક રીતે પત્ર લખીને પોતાના વાંધાઓનો પુનરોચ્ચાર કર્યો છે. આ નિર્ણયથી થાણે જિલ્લામાં નાઈક અને શિંદે જૂથો વચ્ચે રાજકીય દુશ્મનાવટ પણ વધી છે.
આપણ વાંચો: મુંબઈમાં જોખમી અને જર્જરિત ઇમારતોના પુનર્વિકાસને વેગ અપાશે: એકનાથ શિંદે
નાઈકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઊંચા મિલકત વેરા અંગે ચિંતાઓને કારણે આ ગામોને અગાઉ એનએમએમઆઈના અધિકારક્ષેત્રમાંથી દૂર કરવામાં આવ્યા હતા. જો કે, તેમના બાકાત રાખવાથી વર્ષો સુધી અપૂરતી માળખાકીય સુવિધાઓ અને નાગરી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ગ્રામજનોની વધતી માગણીઓને ધ્યાનમાં રાખીને, સરકારે તાજેતરમાં તેમના પુન: એકીકરણને મંજૂરી આપી છે.
એનએમએમસીના ભૂતપૂર્વ કમિશનર અભિજીત બાંગરના અહેવાલ મુજબ, આ ગામોના વિકાસનો અંદાજિત ખર્ચ 6,000 કરોડ રૂપિયા છે. નાઈકે એવી દલીલ કરી છે કે હાલના નવી મુંબઈના રહેવાસીઓને આ નાણાકીય બોજ ઉપાડવા માટે દબાણ ન કરવું જોઈએ.
એનએમએમસીમાં સમાવિષ્ટ ગામોમાં દહિસર, મોકાશી, વાલીવલી, પિંપરી, નિઘુ, નવલી, વાકલાન, યમાલી, નારીવલી, વેલે, નાગાંવ, ભંડાલી, ઉત્તરશિવ અને ગોટેઘરનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: જળસંગ્રહઃ નવી મુંબઈ પાલિકાએ તળાવોની સંગ્રહક્ષમતા વધારવા માટે કરી હિલચાલ
આ ગામો મૂળ એનએમએમસી હેઠળ હતા, પરંતુ 2007માં સ્થાનિક રહેવાસીઓના આંદોલનને પગલે તેમને મહાનગરપાલિકાની હદમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. જો કે, આ નિર્ણયના પરિણામે રસ્તાની સ્થિતિ, પાણી પુરવઠાની સમસ્યાઓ અને અપૂરતી શેરી લાઇટિંગ જેવી સુવિધાની સ્થિતિ બગડી હતી. ગ્રામજનો ત્યારથી આવશ્યક સેવાઓની પહોંચ સુનિશ્ર્ચિત કરવા માટે પુન: એકીકરણની માગણી કરી રહ્યા છે.
વધુમાં, ભૌગોલિક પડકારો કનેક્ટિવિટીમાં અવરોધ ઊભો કરે છે, કારણ કે આ ગામો પારસિક હિલ રેન્જ દ્વારા નવી મુંબઈથી અલગ પડે છે. ઍક્સેસ સુધારવા માટે, અધિકારીઓને ભવિષ્યમાં ટનલ બનાવવાનું વિચારવાની જરૂર પડી શકે છે, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.