ગઢચિરોલીમાં જ્યેષ્ઠ નક્સલવાદી ભૂપતિ, તેના અન્ય 60 સાથીદારે કર્યું આત્મસમર્પણ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

ગઢચિરોલીમાં જ્યેષ્ઠ નક્સલવાદી ભૂપતિ, તેના અન્ય 60 સાથીદારે કર્યું આત્મસમર્પણ

ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લામાં જ્યેષ્ઠ નક્સલવાદી મોલોજુલા વેણુગોપાલ ઉર્ફે ભૂપતિએ તેના અન્ય 60 સાથીદાર સાથે આત્મસમર્પણ કર્યું હતું. તેઓ સોમવારે મોડી રાતે પોલીસ સમક્ષ હાજર થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

શરણાગતિ સ્વીકારનારામાં સેન્ટ્રલ કમિટીના સભ્ય તથા પ્રતિબંધિત સીપીઆઇ (માઓવાદી)ની ડિવિઝનલ કમિટીના 10 સભ્યનો સમાવેશ થાય છે. વેણુગોપાલ ઉર્ફે ભૂપતિ ઉર્ફે સોનુને માઓવાદી સંગઠનના પ્રભાવશાળી વ્યૂહરચનાકારોમાંનો એક ગણવામાં આવતો હતો અને મહારાષ્ટ્ર-છત્તીસગઢ સીમા પર લાંબા સમયથી પ્લાટૂન ઓપરેશન્સ પર તે દેખરેખ રાખતો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આપણ વાંચો: નક્સલવાદીઓએ છત્તીસગઢમાં BJP કાર્યકર્તાની હત્યા કરી; લાશ પાસે આવી નોટ છોડી

જોકે તાજેતરના મહિનાઓમાં તેની અને ટોચના નક્સલી આગેવાનો વચ્ચે વધતા મતભેદોને કારણે આંતરિક સંઘર્ષ વધી ગયો હતો. ભૂપતિએ દાવો કર્યો હતો કે સશસ્ત્ર સંઘર્ષ નિષ્ફળ ગયો છે, જાહેર સમર્થન ખતમ થઇ ગયો છે તથા સેંકડો સાથીદારોનાં મોત થઇ રહ્યા હોવાથી શાંતિ તેમ જ વાટાઘાટો માટે આગળ વધવું જોઇએ.

જોકે અન્ય વરિષ્ઠ સાથીદારો દ્વારા બીજા નેતાના નેતૃત્વમાં લડાઇ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કેન્દ્રીય નક્સલી આગેવાનીના દબાણ હેઠળ આખરે ભૂપતિએ શસ્ત્રો હેઠાં મૂકી દેવાનું નક્કી કરીને સંગઠનમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી અને પોતાના સાથીદારો સાથે ગઢચિરોલી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

તાજેતરના મહિનાઓમાં ગઢચિરોલી જિલ્લામાં પોલીસ સામે શરણાગતિ સ્વીકારાતા નક્સવાદીઓનો એકધારો પ્રવાહ જોવા મળી રહ્યો છે. અગાઉ આ વર્ષે ભૂપતિની પત્ની તરાક્કાએ પણ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. તે પ્રતિબંધિત ચળવળની દંડકારણ્ય વિશેષ ઝોનલ સમિતીની સભ્ય હતી. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button