ગઢચિરોલીના જંગલમાં કમાન્ડો સાથેના એન્કાઉન્ટરમાં બે મહિલા નક્સલવાદીનાં મોત | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

ગઢચિરોલીના જંગલમાં કમાન્ડો સાથેના એન્કાઉન્ટરમાં બે મહિલા નક્સલવાદીનાં મોત

ગઢચિરોલી: ગઢચિરોલીના જંગલમાં પોલીસના સી-60 કમાન્ડો સાથેના એન્કાઉન્ટરમાં બે નક્સલવાદી મહિલાનાં મોત થયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ એતાપલ્લી તાલુકાના મોડસ્કે ગામને લાગીને આવેલા જંગલમાં ગટ્ટા એલઓએસ (લોકલ ઑર્ગેનાઈઝેશન સ્ક્વોડ)ના અમુક સભ્યો આવવાના હોવાની આધારભૂત માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે ઑપરેશન હાથ ધર્યું હતું.

આપણ વાંચો: ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ચાર નક્સલવાદી ઠાર…

પોલીસે નક્સલવાદ વિરોધી સ્પેશિયલ કમાન્ડો સ્ક્વોડન સી-60ની પાંચ ટુકડી સાથે અહેરીથી ઑપરેશન શરૂ કર્યું હતું. ઑપરેશનમાં સીઆરપીએફના જવાનોએ પણ સાથ આપ્યો હતો. સીઆરપીએફના જવાનોએ જંગલના બહારના પરિસરને ઘેરી લીધો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે સી-60ના કમાન્ડો જંગલમાં સર્ચ કરી રહ્યા હતા ત્યારે નક્સલવાદીઓ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. નક્સલવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવતાં કમાન્ડોએ પણ ગોળીબાર કરવો પડ્યો હતો.

ગોળીબાર બંધ થયા પછી જંગલમાં તપાસ કરતાં બે મહિલા નક્સલવાદીનાં શબ મળી આવ્યાં હતાં. જંગલમાંથી એક એકે-47 રાઈફલ, એક સોફિસ્ટિકેટેડ પિસ્તોલ, વિસ્ફોટકો, નક્સલવાદને લગતાં સાહિત્યો જપ્ત કરવામાં આવ્યાં હતાં. સંબંધિત પરિસરમાં નક્સલવાદ વિરોધી ઑપરેશન હજુ ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button