ભંડોળ મેળવવા નાયબ મુખ્ય પ્રધાનના બોગસ હસ્તાક્ષર સાથેનો પત્ર રજૂ કર્યો

બીડ: બીડમાં વિકાસ કાર્યો માટે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી (ડીપીસી)નું એક કરોડ રૂપિયાનું ભંડોળ મેળવવા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના બોગસ હસ્તાક્ષર સાથેનો પત્ર રજૂ કરવા બદલ શખસ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
શિવાજીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીની ઓળખ અશોક વાઘમારે તરીકે થઇ હતી, જે મઝગાંવ તહેસીલના લહમેવાડીનો રહેવાસી છે.
ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ઓફિસર સુધાકર ચિંચણેએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ જુલાઇમાં કલેક્ટરને સંબોધિત કરતો પત્ર લઇને અમારો સંપર્ક સાધ્યો હતો.
આપણ વાંચો: પ્રતિષ્ઠિત વિજ્ઞાન પુરસ્કાર મેળવવા બોગસપત્ર તૈયાર કર્યો: પુણેના પ્રોફેસરની ધરપકડ…
નાયબ મુખ્ય પ્રધાન પવારના હસ્તાક્ષર સાથે પત્રમાં ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટીના ભંડોળમાંથી લહમેવાડીના 10 કામ માટે 10 લાખ રૂપિયા તાત્કાલિક મંજૂર કરવાની ભણામણ કરવામાં આવી હતી.
દરમિયાન ચિંચણેએ આ અંગે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના કાર્યાલયમાં તપાસ કરાવી ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે આવો કોઇ પત્ર જારી કરવામાં આવ્યો નથી.
ચિંચણે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે અશોક વાઘમારે વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



