તમારું નામ મનોજ છે? 15 નવેમ્બર સુધી અહીં મળશે ફ્રીમાં ભોજન..
મુંબઈઃ જો તમારું નામ પણ મનોજ છે તો તમને તમારા નામને કારણે ફાયદો થશે અને મહારાષ્ટ્રની એક હોટેલમાં ફ્રીમાં ભોજન મળશે. વાત જાણે એમ છે ધુળે-સોલાપુર નેશનલ હાઈવે પર છત્રપતિ સંભાજીનગર ખાતે હોટેલ ચલાવી રહેલાં એક હોટેલિયરે આ અનોખી જાહેરાત કરી છે. આ જાહેરાત કરવા પાછળ હોટેલિયરનો હેતુ મરાઠા આરક્ષણ માટે લડી રહેલાં મનોજ જરાંગેને સમર્થન આપવાનો છે.
મળી રહેલી માહિતી પ્રમાણે મનોજ જરાંગે મરાઠા સમાજને કુણબી આરક્ષણ મળે એ માટે લડી રહ્યા છે અને એમને મરાઠાઓ તરફથી સમર્થન મળી રહ્યું છે. હું પણ એમને સમર્થન આપું એ વિચાર કરીને જ જે લોકોનું નામ મનોજ છે એવા લોકોને 15મી નવેમ્બર સુધી ફ્રીમાં ભોજન આપવાનો આઈડિયા મને આવ્યો, એવું હોટેલના માલિક બાળાસાહેબ ભોજનેએ જણાવ્યું હતું.
હોટેલમાં જમવા આવનારે પુરાવા તરીકે આધાર કાર્ડ પોતાની સાથે રાખવાનું રહેશે. હોટેલના માલિકે વધુમાં એવું જણાવ્યું હતું કે મનોજ જરાંગે પાટીલની કામ કરવાની પદ્ધતિ હું ઈમ્પ્રેસ થયો છું. તેમણે ખૂબ જ ઓછા સમયમાં મરાઠાઓને ભેગા કર્યા હતા. તેમનું કામ ગમવાને કારણે મેં મનોજ નામ હોય એવા તમામ લોકોને ફ્રીમાં ભોજન આપવાનો નિર્ણય લીધો છે. 15મી નવેમ્બર સુધી આ ઓફર વેલિડ છે. મનોજ જરાંગે પાટીલના કામને ધ્યાનમાં લઈને જમવા આવનાર માટે સ્પેશિયલ થાળી પણ તૈયાર કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં જ્યારે શિવસેનાના ઉદ્વવ ઠાકરે પ્રમુખ હતા એ સમયે તેમણે ખેડુતોને કર્જમાંથી માફી અપાવી હતી ત્યારે ઉદ્વવ નામ હોય એવા લોકોને એક મહિના માટે હોટેલમાં ફ્રીમાં જમાડવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાં 150થી 200 જણ હોટેલના માલિક દ્વારા જાહેર કરવામાં આવેલી સ્કીમનો લાભ ઉઠાવ્યો છે.