મહારાષ્ટ્રના યવતમાલમાં પાણી ભરેલા ખાડામાં 4 બાળકોનું ડૂબી જવાથી મોત, જાણો શુ છે મામલો

મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી જન જીવન અસ્ત વ્યસ્થ થઈ ગયું છે. જેના કારણે અનેક અકસ્માતો થયા હોવાની ઘટના સામે આવી રહી છે. આ વચ્ચે યવતમાલ જિલ્લાના દારવ્હા શહેરમાં એક દુઃખદ ઘટના બની, જેમાં ચાર બાળકોનું ડૂબી જવાથી મોત નીપજ્યું. આ ઉપરાંત, નાસિક અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ અને બાંધો ઉભરાઈ રહ્યા છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે યવતમાલના દારવ્હા શહેરમાં બુધવારે (20 ઓગસ્ટ) રેલવે ફ્લાયઓવરના બાંધકામ માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં વરસાદનું પાણી ભરાયું હતું. આ ખાડામાં રમી રહેલા ચાર બાળકો ડૂબી જતા તેમનું મોત નીપજ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આ બાળકોની ઉંમર 10થી 14 વર્ષની હતી, અને આ ઘટના દારવ્હા રેલવે સ્ટેશન નજીક બની. મૃતક બાળકોની ઓળખ રિહાન અસલમ ખાન, ગોલૂ પાંડુરંગ નારનવરે, સૌમ્યા સતીશ ખડસન અને વૈભવ આશિષ બોથલે તરીકે થઈ છે.
આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને બાંધકામ કંપનીની લાપરવાહીની પણ તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, બાળકો રમતા-રમતા ખાડામાં પડ્યા હોવાની આશંકા છે, અથવા તો તેમણે તરવાનો પ્રયાસ કર્યો હશે, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. આ ઘટનાએ બાંધકામ સ્થળોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
નાસિક જિલ્લામાં ભારે વરસાદે હાલાત ગંભીર બનાવી છે. ગંગાપુર બાંધમાંથી વધારાનું પાણી ગોદાવરી નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે નદીનો પ્રવાહ ખૂબ જ તેજ થઈ ગયો છે. રામકુંડ અને ગોદાઘાટ વિસ્તારના નાના મંદિરો પાણીમાં ડૂબી ગયા છે, અને પ્રસિદ્ધ દુતોંદ્ય મારુતિની મૂર્તિ પણ આંશિક રીતે પાણીમાં ડૂબેલી છે. દરના નદીનું જળસ્તર પણ ભય જનક સપાટી સુધી પહોંચી ગયું છે.
જયકવાડી બાંધની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, મરાઠવાડા ક્ષેત્રના જયકવાડી બાંધમાં 95 ટકાથી વધુ જળ ભંડાર ભરાઈ ગયો છે. સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે જો જરૂર પડશે તો ટૂંક સમયમાં બાંધમાંથી પાણી છોડવું પડી શકે છે. આ બાંધ આ વિસ્તારનો સૌથી મોટો જળ સ્ત્રોત છે, અને તેનું ભરાવું ખેડૂતો તેમજ પીવાના પાણીની સપ્લાય માટે ફાયદાકારક છે, પરંતુ વધુ પાણીથી પૂરનું જોખમ પણ વધી રહ્યું છે.
આ પણ વાંચો…રાજકોટના પાદરિયા ગામમાં તળાવમાં નાહલા પડેલા 3 બાળકોનું ડૂબી જતા મોત, પંથકમાં શોકનો માહોલ