મહારાષ્ટ્ર

એનસીપીના પૂર્વ ધારાસભ્યનું માર્ગ અકસ્માતમાં મોતઃ અજિત પવારે શ્રદ્ધાંજલિ આપી

અકોલાઃ મહારાષ્ટ્રના અકોલા શહેરમાં એક પીકઅપ વાહને ટુ-વ્હીલરને ટક્કર મારતા મોટર સાયકલ પર સવાર એનસીપીના પૂર્વ ધારાસભ્ય પ્રો. તુકારામ બિડકર અને બાઇકચાલક રાજદત્ત માનકરનું મૃત્યુ થયું છે. અકસ્માત બાદ પૂર્વ ધારાસભ્યને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.

ગુરુવારે બપોરે બંને શિવની એરપોર્ટ પર મહારાષ્ટ્ર ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેને મળ્યા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકોલાના શિવની વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. પોલીસે પીકઅપ વાહનના ચાલક મોહમ્મદ સાહિલ અબ્દુલ શાહિદ (૨૫)ની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે.

તુકારામ બિડકર ૨૦૦૪થી ૨૦૦૯ સુધી અવિભાજિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ધારાસભ્ય હતા. તેમણે અકોલા જિલ્લાના મૂર્તિજાપુર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બિડકરે વિદર્ભ વિકાસ નિગમના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે. બિડકર સંત ગાડગે મહારાજના જીવન પર આધારિત ‘દેબુ’ નામની મરાઠી ફિલ્મના નિર્માતા પણ હતા.

NCPના વડા અજિત પવારે એક્સ પર પોસ્ટ દ્વારા તુકારામ બિડકરના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે “વિદર્ભ લેજિસ્લેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને મૂર્તિજાપુર વિધાનસભા ક્ષેત્રના ભૂતપૂર્વ ધારાસભ્ય તુકારામ બિડકરના આકસ્મિક અવસાનના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે. વિદર્ભનો એક સક્ષમ પુત્ર, આંદોલનોમાં કામ કરતો એક સાચો કાર્યકર્તા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં મારા સાથીદારનું અવસાન થયું છે. હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.”

અજિત પવારે આગળ લખ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય તુકારામ બિડકર મહારાષ્ટ્રના સામાજિક મુદ્દાઓ પ્રત્યે હંમેશા જાગૃત રહેતા અને વિદર્ભના વિકાસ માટે સક્રિય હતા. તે ત્રણ મહિના પહેલા જ અકસ્માતમાંથી ઉગરી ગયા હતા, પરંતુ આ વખતે અકસ્માતે તેનો જીવ લીધો. તેમનું અકાળ અવસાન એનસીપી પરિવાર માટે મોટો આંચકો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button