મરાઠી પરિવાર પર હુમલો કરવા બદલ દંપતી સામે એફઆઈઆર, પુરુષ આરોપી સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ: મુખ્ય પ્રધાન
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં એવી માહિતી આપી હતી કે થાણે જિલ્લાના કલ્યાણમાં મરાઠીભાષી પરિવાર પર હુમલો કરવા બદલ એક દંપતી સામે કેસ નોંધવામાં આવ્યો છે અને પુરુષ આરોપીને સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
પુરુષ આરોપી અખિલેશ શુક્લા મહારાષ્ટ્ર પ્રવાસન વિકાસ નિગમ (એમટીડીસી)ના કર્મચારી છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય અનિલ પરબ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાના જવાબમાં બોલી રહ્યા હતા.
પરબે કહ્યું કે કલ્યાણમાં એક મરાઠી પરિવારના સભ્યો પર અખિલેશ શુક્લા નામના વ્યક્તિએ હુમલો કર્યો હતો, અને તેના પર ચર્ચાની માંગ કરી હતી.
નાનકડા મુદ્દે થયેલી દલીલ બાદ, શુક્લાએ મરાઠી પરિવારનું અપમાન કર્યું અને હુમલો કર્યો, જેમાં તેઓ ઘાયલ થયા હતા. શુક્લાએ પીડિતોને કહ્યું હતું કે તે મંત્રાલયમાં કામ કરે છે અને ઘણા મરાઠી કર્મચારીઓ તેની ઓફિસ સાફ કરે છે, એમ પરબે કહ્યું.
અન્ય રાજ્યોમાંથી આવતા લોકો દ્વારા મરાઠી લોકો સાથે ભેદભાવની આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તેમણે કહ્યું કે, ટ્રેન મુસાફરી દરમિયાન મરાઠી લોકોને હુમલાઓનો સામનો કરવો પડે છે અથવા તેમના ભોજન પસંદગીના આધારે હાઉસિંગ સોસાયટીઓમાં ઘર આપવામાં આવતા નથી.
આ પણ વાંચો : કાઠમંડુમાં કોની મિટિંગ હતી? અર્બન નક્સલવાદ અંગે દેવેન્દ્ર ફડણવીસનો સૌથી મોટો દાવો
ભાજપ સત્તામાં આવ્યા પછી મુંબઈ, પુણે, કલ્યાણ અને રાજ્યના અન્ય ભાગોમાં મરાઠી પરિવારોને અન્ય રાજ્યોના લોકો દ્વારા ત્રાસ આપવાના બનાવમાં વધારો થયો છે, એવો આરોપ પરબે લગાવ્યો હતો. શિવસેના (યુબીટી)ના સચિન આહીર, કૉંગ્રેસના ભાઈ જગતાપ, એનસીપી (એસપી)ના શશિકાંત શિંદેએ પણ આ મુદ્દે રાજ્ય સરકાર કાર્યવાહી કરે એવી માગણી કરી હતી.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગૃહને એવી માહિતી આપી હતી કે આરોપી અખિલેશ શુક્લા અને તેની પત્નીને પિડિતો સાથે વિવાદ થયો હતો અને તેમાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શુક્લા એમટીડીસીનો કર્મચારી છે અને આ બનાવને પગલે તેની સામે કલ્યાણના ખડકપાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવ્યો છે. શુક્લાને સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. મરાઠી લોકો સાથે કોઈ અન્યાય કરવામાં આવશે નહીં.
બિન-શાકાહારી લોકોને હાઉસિંગ સોસાયટીમાં ઘર આપવામાં આવતું નથી તે મુદ્દે ફડણવીસે કહ્યું હતું કે બંધારણે બધાને જે ગમે તે ખાવાનો અધિકાર આપ્યો છે. ખાનપાનની આદતોને આધારે કોઈ પણ વ્યક્તિને કોઈને ઘર ન આપવાનો અધિકાર નથી. આ ભેદભાવ સહન કરવામાં આવશે નહીં અને આવા પ્રકરણોની ફરિયાદ મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.