સોલાપુરમાં મેફેડ્રોન બનાવતી ફૅક્ટરીમાં આર્થિક રોકાણ કરનારાની ધરપકડ

મુંબઈ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સોલાપુરમાં મેફેડ્રોન ડ્રગ બનાવતી ફૅક્ટરીનો પર્દાફાશ કર્યા પછી આ ફૅક્ટરી ધમધમતી કરવા માટે આર્થિક રોકાણ કરનારાની પણ ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ રામનગર ચંદ્રયા ગૌડ ઈડગી ઉર્ફે રાજુ ગૌડ તરીકે થઈ હતી. તેલંગણામાં રહેતા ગૌડને મુંબઈની સેશન્સ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. કોર્ટે તેને 21 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ગૌડ શ્રી શેંકી કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટરોમાંનો એક છે. પોલીસે નાશિક પછી સોલાપુરમાં મેફેડ્રોન બનાવતી ફૅક્ટરી પર કાર્યવાહી કરી હતી. એ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીઓએ બે ભાઈ રાહુલ ગવળી અને અતુલ ગવળીની ધરપકડ કરી હતી. બન્ને ભાઈ અગાઉ કેમિકલની ફૅક્ટરીમાં કામ કરતા હતા અને ત્યાંથી જ તેમને મેફેડ્રોન બનાવવા સંબંધિત માહિતી મળી હતી.
આરોપીએ સોલાપુરમાં ચિંચોલી એમઆઈડીસી પરિસરમાં ફૅક્ટરી ભાડેથી લઈ તેમાં જ ત્રણ લૅબોરેટરી શરૂ કરી હતી. છેલ્લા સાત-આઠ મહિનાથી ફૅક્ટરીમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું. પોલીસે આ ફૅક્ટરીમાંથી અંદાજે છ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. એ સિવાય 100 કરોડ રૂપિયાનો કાચો માલ પણ હસ્તગત કર્યો હતો.
સોલાપુરની ફૅક્ટરી પર કાર્યવાહી બાદ ધરપકડ કરાયેલા ગવળી ભાઈઓની પૂછપરછમાં ગૌડની માહિતી સામે આવી હતી. ગૌડે ફૅક્ટરી ધમધમતી કરવા માટે 60 લાખ રૂપિયા રોક્યા હતા. ત્યાર બાદ સમયાંતરે તે આર્થિક રોકાણ કરતો હતો. સોલાપુરના મોહોલ પરિસરમાંથી સોલાપુર પોલીસે તેને પકડી પાડ્યો હતો. સ્થાનિક કેસમાં અદાલતી કસ્ટડી મળતાં મુંબઈ પોલીસે તેનો તાબો મેળવ્યો હતો.