સાયબર ગુનાઓની યાદીમાં આર્થિક છેતરપિંડી ટોચ પર, ટેક-સેવી પોલીસની જરૂર: દેવેન્દ્ર ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે સાયબર ગુનાઓની યાદીમાં આર્થિક છેતરપિંડી ટોચ પર છે, ત્યારબાદ ધમકીઓ અને જાતીય ગુનાઓના કિસ્સાઓ આવે છે અને તેમને ઉકેલવામાં પોલીસને ‘ટેકનોલોજી-સેવી’ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ફડણવીસ મુંબઈ પોલીસના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા જ્યાં તેમણે ડી બી માર્ગ પોલીસ સ્ટેશન ખાતે ‘નિર્ભયા સાયબર લેબ’નું ઉદ્ઘાટન કર્યું.
બાદમાં તેમણે વરલી ખાતે સેન્ટ્રલ રિજન સાયબર પોલીસ સ્ટેશન, ગોવંડી ખાતે ઈસ્ટ સાયબર પોલીસ સ્ટેશન, મહિલા પીડિતો માટે ફોરેન્સિક લેબ વૅન અને પોલીસોને માટે નવી મોટરસાઈકલો, વાહનોની વધુ ગતિને રોકવા માટે ઇન્ટરસેપ્ટર અને સ્પીડ ગન અને નિર્ભયા સ્કવૉડ વૅન સહિત વિવિધ અન્ય પહેલોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ કર્યું હતું.
હવે, મુંબઈમાં 87 પોલીસ સ્ટેશનોમાં સમર્પિત ‘મહિલા અને બાળ સહાય સેલ’ છે જેનું ફડણવીસે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ કર્યું હતું.
રાજ્યના ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રીએ સાયબર ગુનાઓનો સામનો કરવામાં શહેર પોલીસની ક્ષમતાઓની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો: ‘વ્હેલ ફિશિંગ’ એટેકમાં ટ્રાવેલ એજન્સીએ ગુમાવેલા 90 લાખ રૂપિયા સાયબરે બચાવ્યા
મુંબઈ પોલીસે સાયબર સુરક્ષા માટે ત્રણ કેન્દ્રો શરૂ કર્યા છે અને હું કહીશ કે આ શ્રેષ્ઠતા કેન્દ્રો છે જ્યાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એમ તેમણે કહ્યું હતું.
‘સાયબર ગુનાઓમાં, આર્થિક છેતરપિંડી ટોચ પર છે, ધમકી અને ખંડણી જેવા ગુનાઓ બીજા સ્થાને છે અને જાતીય ગુનાઓ ત્રીજા સ્થાને છે,’ એમ ફડણવીસે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, આરોપીઓની શક્ય તેટલી ઝડપથી ધરપકડ કરીને આ કેસોનો ઉકેલ લાવવો મહત્વપૂર્ણ છે.
સાયબર છેતરપિંડીના એક કેસમાં, પીડિતાએ 12 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા, પરંતુ મુંબઈ પોલીસે સમયસર કાર્યવાહી કરી અને લગભગ 11.20 કરોડ રૂપિયા બચાવ્યા હતા, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
‘આપણે વિશ્ર્વમાં ડિજિટલ વ્યવહારોમાં નંબર વન છીએ, જેના કારણે જોખમ પણ વધ્યું છે,’ એમ તેમણે કહ્યું હતું.
જ્યારે લોકોને ડિજિટલ વ્યવહારો માટે વિવિધ પ્લેટફોર્મ મળ્યા, ત્યારે આનાથી સાયબર ગુનેગારોને (નાણાકીય) પ્રવેશદ્વારો તોડવાનો પ્રયાસ કરવાની તક પણ મળી, પરંતુ તેઓ સફળ થયા નહીં, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું કે, ભવિષ્યમાં શેરી ગુનાઓ કરતાં સાયબર ગુનાઓ વધશે. સાયબર ગુના સાથે પનારો પાડતી વખતે, ‘આપણને એવા બળની જરૂર છે જે આવા ગુનેગારો સાથે અસરકારક રીતે કામ પાડી શકે’ એમ તેમણે કહ્યું હતું.
ફડણવીસે જણાવ્યું હતું કે, મુંબઈ શહેરમાં પાંચ સાયબર લેબ પ્રસ્તાવિત છે, તેમણે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સુવિધાઓ મહિલાઓ વિરુદ્ધ સાયબર ગુનાઓના કેસોને ઉકેલવામાં મદદ કરશે.
ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન યોગેશ કદમ, એડિશનલ ચીફ સેક્રેટરી (હોમ) ઇકબાલ સિંહ ચહલ, મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસલકર અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.