નાશિકના માર્ગો પર ફિલ્મી સીન!
પોલીસનાં આઠ વાહને ડ્રગ તસ્કરની કારનો પીછો કર્યો: કલાક પછી આરોપી પકડાયો
મુંબઈ: પોલીસ ક્ધટ્રોલ રૂમમાંથી શંકાસ્પદ કારની માહિતી મળતાં જ નાશિક શહેરના માર્ગો પર ડ્રગ તસ્કર અને પોલીસ વચ્ચે જાણે ફિલ્મી સીન ભજવાયો હતો.
પોલીસનાં આઠ વાહને હાઈ-સ્પીડમાં કાર દોડાવનારા ડ્રગ તસ્કરનો લગભગ કલાક સુધી પીછો કરી તેને પકડી પાડ્યો હતો. આ કાર ચેસિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો અને સોશિયલ મીડિયા યુઝર્સે પોલીસના સાહસનાં વખાણ પણ કર્યાં હતાં.
નાશિક પોલીસે તેના એક્સ હેન્ડલ પર હાઈ-સ્પીડ કાર ચૅસનો વીડિયો શૅર કરી માહિતી પોસ્ટ કરી હતી. આ ઘટના સોમવારની રાતે બની હતી.
આપણ વાંચો: પવઈમાં 3.30 કરોડનું ચરસ જપ્ત: ડ્રગ તસ્કરની ધરપકડ
પોલીસ ક્ધટ્રોલ રૂમમાંથી લાલ કલરની શંકાસ્પદ કારની માહિતી મળતાં જ નાશિક પોલીસ તરત ઍક્શન મોડમાં આવી ગઈ હતી. કારમાં ગેરકાયદે શસ્ત્રો, ડ્રગ્સ, વિસ્ફોટકો અથવા એવી જ કોઈ જોખમી વસ્તુઓની શંકા પરથી પોલીસે કારને તાબામાં લેવાની કવાયત હાથ ધરી હતી.
ધુળેથી નવી મુંબઈની દિશામાં પૂરપાટ વેગે દોડતી કારનો નાશિક શહેર પોલીસની આઠ સીઆર મોબાઈલ વૅને પીછો શરૂ કર્યો હતો. પોલીસ વાહન નજીક પહોંચે ત્યારે લાલ કારનો ડ્રાઈવર ફરી સ્પીડ વધારતો હતો અને બેફામ કાર હંકારતો હતો.
આપણ વાંચો: મની લોન્ડરિંગ અને ડ્રગ તસ્કરીના આરોપમાં ટેલિગ્રામના સ્થાપકની અટકાયત
પોલીસ પણ પાછીપાની કરે એવી નહોતી. કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વિના પોલીસે એક કલાક ચાલેલી આ ‘પકડાપકડી’ પછી લાલ કારને આંતરવામાં સફળતા મેળવી હતી અને ડ્રગ તસ્કરને પકડી પાડ્યો હતો.
સોશિયલ મીડિયા પોસ્ટમાં પોલીસે નોંધ્યું હતું કે આરોપીની કાર મુખ્ય રસ્તા પર પહોંચી હતી, પણ અમારી ટીમે કોઈને હાનિ પહોંચાડ્યા વિના વ્યૂહરચના સાથે આરોપીને ઝડપી લીધો હતો.
આ ટીમનું નાશિક સિટી પોલીસ કમિશનરે સન્માન કર્યું હતું. ખાસ કરીને ટીમના ભાઉરાવ ગાંગુર્ડે અને બાળકૃષ્ણ પવારની કામગીરીની સરાહના કરવામાં આવી હતી.