પિતાનું પિશાચી કૃત્ય: ચાર દીકરીને વાસનાનો શિકાર બનાવી એક પુત્રીનો પાંચ વખત ગર્ભપાત કરાવ્યો
વિકૃત માનસિકતાવાળો ગૅન્ગસ્ટર છોટા રાજનનો સાગરીત સિંધુદુર્ગમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા ગૅન્ગસ્ટર છોટા રાજનનો સાગરીતને મીરા-ભાયંદર વસઈ-વિરાર ક્રાઈમ બ્રાન્ચે સિંધુદુર્ગ જિલ્લામાંથી પકડી પાડ્યો હતો. વિકૃત માનસિકતા ધરાવતા આરોપીએ નાલાસોપારમાં રહેતી તેની ચાર-ચાર દીકરીઓ સાથે કથિત દુષ્કર્મ કર્યું હતું, જેને પગલે એક પુત્રીએ તો પાંચ વખત ગર્ભપાત કરાવવો પડ્યો હતો.
દીકરીઓને જ અશ્ર્લીલ તસવીરો અને પૉર્ન વીડિયો દેખાડીને આવું કૃત્ય કરનારા પિશાચી પિતાથી કંટાળીને બે પુત્રીએ આત્મહત્યાનો પ્રયાસ સુધ્ધાં કર્યો હતો.
સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર અવિરાજ કુરાડેની ટીમે શરમજનક કૃત્ય કરી ફરાર થઈ ગયેલા 56 વર્ષના આરોપીને બુધવારે સિંધુદુર્ગમાં પકડી પાડ્યો હતો. વધુ તપાસ માટે તેને નાલાસોપારા પોલીસના તાબામાં સોંપાયો હતો.
આપણ વાંચો: દુષ્કર્મના કેસમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો: 50 સામે ગુનો
આરોપી છોટા રાજન ગૅન્ગ સાથે સંકળાયેલો હોવાથી તેની વિરુદ્ધ રાજ્યનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ધમકી, મારપીટ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. નાલાસોપારાના બહુચર્ચિત રાજેશ ઉર્ફે રાજુ પતંગેની હત્યાના કેસમાં પણ આરોપીની ધરપકડ થઈ હતી. 2003માં જમીન વિવાદમાં છોટા રાજનના ઇશારે ગોળી મારી પતંગેની હત્યા કરવામાં આવી હતી.
આરોપી 2018થી ચારેય દીકરી સાથે કુકર્મ આચરતો હતો. 21 અને 22 વર્ષની બે પુત્રી પર તેણે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો, જેને પગલે 21 વર્ષની યુવતી પાંચ વખત ગર્ભવતી બની હતી.
આપણ વાંચો: મુંબ્રામાં સગીરા સાથે દુષ્કર્મ: મૃત્યુ પામેલા યુવક વિરુદ્ધ ગુનો
આરોપીના દબાણને વશ યુવતીએ અલગ અલગ હૉસ્પિટલમાં પાંચેય વખત ગર્ભપાત કરાવ્યો હતો. પુત્રી સગર્ભા હોવાની જાણ હોવા છતાં આરોપી તેની સાથે જબરદસ્તી કરતો હતો. આરોપી ગૅન્ગસ્ટર હોવાથી પત્ની અને પુત્રીઓને ધમકાવીને આવું કૃત્ય કરતો હતો, એવું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદમાં જણાવાયું હતું કે 16 વર્ષની પુત્રીને પૉર્ન વીડિયો અને અશ્ર્લીલ તસવીરો દેખાડી તેની સાથે છૂટછાટ લેતો હતો. એ સિવાય 12 વર્ષની પુત્રીને પણ આરોપીએ છોડી નહોતી. તેને જબરદસ્તી અશ્ર્લીલ વીડિયો અને તસવીરો જોવા દબાણ કરતો અને પછી તેની સાથે બીભત્સ ચાળા કરતો.
પિતાના ત્રાસથી કંટાળી બે વર્ષ અગાઉ બે પુત્રીએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હોવાનું કહેવાય છે. હિંમત ભેગી કરી આરોપીની 21 વર્ષની પુત્રીએ પોલીસ ફરિયાદ કરતાં આ શરમજનક ઘટના પ્રકાશમાં આવી હતી.