મહારાષ્ટ્રમાં પહેલી એપ્રિલથી બધા ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત
ફાસ્ટેગ વગરના વાહનો અથવા યોગ્ય ટેગ વગર સમર્પિત લેનમાં પ્રવેશ કરનારા વાહનોએ બમણો ટોલ ચૂકવવો પડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયને પગલે હવે પહેલી એપ્રિલથી રાજ્યમાં ફાસ્ટેગ દ્વારા ટોલ વસૂલાત ફરજિયાત કરવામાં આવી છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટે જાહેર બાંધકામ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી છે કે રાજ્યભરના ટોલ પ્લાઝા પર ટોલ વસૂલાત પહેલી એપ્રિલથી ફક્ત ફાસ્ટેગ દ્વારા કરવામાં આવશે.
આ ફેરફારને સરળ બનાવવા માટે તેણે જાહેર-ખાનગી ભાગીદારી નીતિ 2014માં સુધારાને પણ મંજૂરી આપવામાં આવી છે.
ફાસ્ટેગ એ રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે ભારતની ઇલેક્ટ્રોનિક ટોલ વસૂલાત ચીપ પદ્ધતિ છે.
આપણ વાંચો: મુંબઈ ટોલ-ફ્રીઃ ટોલ મુક્તિના પહેલા જ દિવસે ‘ફાસ્ટેગ’માં ગડબડ?
સરકારી નિવેદનમાં જણાવાયું છે કે, આ પગલાથી ટોલની વસૂલાતમાં કાર્યક્ષમતા અને પારદર્શિતા આવશે અને ટોલ પ્લાઝા પર વાહનોની ભીડ ઓછી થશે તેવી અપેક્ષા છે. તેનાથી મુસાફરોનો સમય અને ઇંધણ પણ બચશે.
તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફાસ્ટેગ વગરના વાહનો અથવા યોગ્ય ટેગ વગર સમર્પિત લેનમાં પ્રવેશનારા વાહનોએ બમણો ટોલ ચૂકવવો પડશે.
હાલમાં, જાહેર બાંધકામ વિભાગ હેઠળના 13 રોડ પ્રોજેક્ટ્સ અને મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા સંચાલિત નવ પ્રોજેક્ટ્સ પર ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. આ નિર્ણય રાજ્યમાં આ અને ભવિષ્યના તમામ ટોલ પ્રોજેક્ટ્સ પર લાગુ થશે, એમ પણ નિવેદનમાં જણાવાયું છે.