‘ફટકા ગેન્ગ’ના હુમલામાં ટ્રેનમાંથી પડી ગયેલા નાશિકના યુવકે પગ ગુમાવ્યો: સગીર ઝડપાયો | મુંબઈ સમાચાર

‘ફટકા ગેન્ગ’ના હુમલામાં ટ્રેનમાંથી પડી ગયેલા નાશિકના યુવકે પગ ગુમાવ્યો: સગીર ઝડપાયો

થાણે: તપોવન એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલો નાશિકનો 26 વર્ષના યુવકમો મોબાઇલ ઝૂંટવી લેવા માટે ‘ફટકા ગેન્ગ’ના સભ્યએ લાઠીથી હુમલો કર્યો હતો, જેમાં ટ્રેનમાંથી પડી જવાથી યુવકે પોતાનો પગ ગુમાવ્યો હતો.

થાણે જિલ્લામાં શહાડ અને આંબિવલી રેલવે સ્ટેશન વચ્ચે રવિવારે સવારે સાત વાગ્યે આ ઘટના બની હતી. કલ્યાણ રેલવે પોલીસે આ પ્રકરણે 16 વર્ષના સગીરને તાબામાં લીધો હતો.

આપણ વાંચો: લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોમાં વધતા ગુનાઓ રોકવા માટે પોલીસ તૈનાત કરાશે

નાશિકનો ખેડૂત ગૌર્ચ રામદાસ નિકમ (26) રવિવારે તપોવન એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો. નિકમ દરવાજા પર ઊભો હતો ત્યારે રેલવે ટ્રેક પર ઊભેલા સગીરે નિકમનો મોબાઇલ ઝૂંટવી લેવા તેના હાથ પર લાઠીથી હુમલો કર્યો હતો, જેમાં નિકમે સંતુલન ગુમાવ્યું હતું અને તે ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો. તેનો ડાબો પગ ટ્રેનના પૈડા નીચે આવતાં કપાઇ ગયો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નિકમ ટ્રેક પર લોહીલુહાણ હાલતમાં પડેલો હોવા છતાં તેને આરોપીએ લાઠીથી મારવાનું ચાલુ રાખ્યું હતું. આરોપી ત્યાર બાદ નિકમનો 20 હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ આંચકી ભાગી છૂટ્યો હતો.

આપણ વાંચો: Biharના પટનામાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, પોલીસે તપાસ શરૂ કરી

દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ તથા રેલવેનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને નિકમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ડોક્ટરોએ જણાવ્યું હતું કે નિકમ જોખમથી બહાર છે, પણ ડાબો પગ ગુમાવવાને કારણે તેણે લાંબા સમય સુધી તબીબી કાળજી રાખવી પડશે.

આ ઘટના બાદ રેલવે પોલીસે ગુનો દાખલ કરીને સગીરને તાબામાં લીધો હતો. સગીર આવા અન્ય ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button