પોલીસના સ્વાંગમાં વેપારી સાથે છેતરપિંડી: આરોપી પકડાયો

પાલઘર: પાલઘર જિલ્લામાં પોલીસના સ્વાંગમાં વેપારી સાથે રૂ. 1.6 લાખની છેતરપિંડી આચરવા બદલ 28 વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીની ઓળખ મોહંમદ ફૈઝુલ અબ્દુલ હસન શેખ (28) તરીકે થઇ હોઇ તે મહિનાના પ્રારંભમાં વેપારીની દુકાનમાં રૂ. 1.6 લાખનો મોબાઇલ ખરીદવા આવ્યો હતો.
આરોપીએ પોતાની ઓળખ પોલીસ કર્મચારી તરીકે આપી હતી અને બોગસ રેકોર્ડ બતાવીને દાવો કર્યો હતો કે તેણે એનઇએફટી થકી રૂ. 1.1 લાખ ટ્રાન્સફર કર્યા હતા અને બાકીની રકમનો ચેક આપ્યો હતો.
આ પણ વાંચો : સીબીઆઇ ઓફિસરના સ્વાંગમાં બે જણ સાથે રૂ. 80 લાખની છેતરપિંડી આચરનારો પકડાયો
જોકે વેપારીના બેન્ક સ્ટેટમેન્ટમાં આરોપીએ દાવો કર્યા મુજબ રૂ. 1.1 લાખની ચુકવણી દર્શાવાઇ નહોતી. વેપારીએ ચેક બેન્કમાં જમા કરાવતા તે પાછો ફર્યો હતો. આથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને આરોપીની શોધ આદરી હતી અને તેને વાલિવ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
વાલિવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જયરાજ રાવરાણેએ કહ્યું હતું કે આરોપી પાસેથી પોલીસ યુનિફોર્મ, હાથકડી અને બોગસ આઇકાર્ડ જપ્ત કરાયાં હતાં. તેના ઘરમાંથી એરગન પણ મળી આવી હતી. કોન્સ્ટેબલ તરીકેના એપોઇન્ટમેન્ટ લેટરની સ્કેન કોપી તથા વેપારીને છેતરીને મેળવેલા મોબાઇલ પણ જપ્ત કરાયા હતા. (પીટીઆઇ)