દેવેન્દ્ર ફડણવીસે સીઆઈડીને સંતોષ દેશમુખ હત્યા કેસમાં ભાગેડુ આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો

નાગપુર: બીડમાં મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસ બાદ સમગ્ર મહારાષ્ટ્રમાંથી ગુસ્સો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઘણા દિવસો બાદ પણ દેશમુખ હત્યા કેસના આરોપીઓ ફરાર છે. દરમિયાન આરોપીઓની ધરપકડ ન થતાં શનિવારે બીડમાં સર્વપક્ષી રેલી કાઢવામાં આવી હતી. પ્રદર્શનકારીઓ અને માર્ચમાં ભાગ લેનારા નેતાઓએ માગણી કરી હતી કે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને ફાંસી આપવામાં આવે. દરમિયાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં સીઆઈડીને મહત્વના આદેશ આપ્યા છે.
બીડ કેસમાં બે મોટા અપડેટ સામે આવ્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સીઆઈડીને બે મહત્વના આદેશ આપ્યા છે. ફડણવીસે સીઆઈડીના એડિશનલ ડાયરેક્ટર જનરલ બુરડેને બીડ કેસમાં ફરાર આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બીડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને આદેશ આપ્યો છે કે જો બંદૂક સાથેના ફોટા સાચા હોય તો બંદૂક સાથેના ફોટાવાળા તમામના લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરે. તદુપરાંત, બંદુક માટેના લાઈસન્સની તાત્કાલિક સમીક્ષા કરવા પણ કહેવામાં આવ્યું છે.