મહારાષ્ટ્રમાં મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી તણાવ નથી: ફડણવીસ
કબૂતરખાના વિવાદ અંગે આજની બેઠકમાં નિર્ણય: તેત્રીસ પ્રોજેક્ટની સમીક્ષા કરાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી સમાજ વચ્ચે કોઈ તણાવ નથી અને બંનેમાંથી કોઈ સાથે કોઈ અન્યાય થઈ રહ્યો નથી, એવું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું, તેમણે તેમના પક્ષના સાથી અને સાંસદ નિશિકાંત દુબેને ભાવનાત્મક ભાષાના મુદ્દાથી દૂર રહેવાની સલાહ આપી હતી.
પત્રકારો સાથે વાત કરતાં ફડણવીસે કહ્યું હતું કે, રાજકીય કારણોસર રાજ્યમાં ભાષા વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદ પર ભાજપના લોકસભા સાંસદ નિશિકાંત દુબે દ્વારા ગયા મહિને કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી અંગેના પુછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં ફડણવીસે તેમના પક્ષના સાથીને નિવેદન આપતી વખતે સાવધાની રાખવાની સલાહ આપી હતી.
ફડણવીસે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, ઝારખંડના સાંસદે ‘મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી’ મુદ્દામાં ઝંપલાવવાની આવશ્યકતા નથી કેમ કે આ રાજકીય કારણોસર ઊભો કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: ઉદ્યોગોને સરળ વહીવટી સહાય વૈશ્ર્વિક આર્થિક પડકારોને દૂર કરવામાં મદદ કરી શકે છે: ફડણવીસ
‘અમે તેને (મરાઠી-બિનમરાઠી વિવાદને) સંભાળવા સક્ષમ છીએ. અહીં કોઈ મરાઠી-બિન-મરાઠી તણાવ નથી. બન્નેમાંથી કોઈ સાથે અન્યાય થઈ રહ્યો નથી. મહારાષ્ટ્રમાં મરાઠી અને બિન-મરાઠી ભાષીઓ ભેગા મળીને તેમને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહેલા નેતાઓને પાઠ ભણાવશે,’ એમ મુખ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું.
કોલ્હાપુરમાં ગુજરાતના વન્યજીવન પુનર્વસન કેન્દ્રમાં ખસેડાયેલી માદા હાથીને પાછી લાવવા માટે અને મુંબઈના ‘કબુતરખાના’માં કબૂતરોને ખોરાક આપવાનું બંધ કરવા અંગે થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અંગે પૂછવામાં આવતાં ફડણવીસે કહ્યું હતું કે તેમણે મંગળવારે બંને મુદ્દાઓ પર ચર્ચા કરવા અને સૌહાર્દપૂર્ણ ઉકેલો શોધવા માટે એક બેઠક બોલાવી છે.
એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ઓછી આવક ધરાવતા જૂથોની મહિલાઓ માટેની કલ્યાણકારી યોજના લાડકી બહેન યોજના હેઠળના લાભો ખોટી રીતે મેળવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ તેમણે બીજી કોઈ વિગતો આપી નહોતી.
આ પણ વાંચો: … તો પછી તમારી ધરપકડ થશે: રાજ ઠાકરેએ સરકારને ફેંકેલા પડકાર પર ફડણવીસનો જવાબ
ફડણવીસે કહ્યું હતું કે તેમણે ચાલી રહેલા તેત્રીસ માળખાકીય પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી છે અને અધિકારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં તેને પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આ અઠવાડિયે નવી દિલ્હીની મુલાકાત અને વિપક્ષી ઈન્ડી ગઠબંધનના નેતાઓ સાથેની મુલાકાત અંગે પૂછવામાં આવતા ભાજપના મુખ્ય પ્રધાને તેમના ભૂતપૂર્વ સાથી પર તેમના પિતા અને હિન્દુત્વના સમર્થક સ્વર્ગસ્થ બાળ ઠાકરે દ્વારા બતાવેલા માર્ગથી ભટકી જવાનો આરોપ લગાવ્યો હતો.
‘જેઓ બાળાસાહેબ ઠાકરેના માર્ગથી ભટકી ગયા છે તેઓ ગમે તે કરે – નાસ્તો, લંચ કે ડિનર ડિપ્લોમસી, તેમને ફરી ક્યારેય સત્તામાં મત મળશે નહીં,’ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ફડણવીસે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ, શિવસેના અને એનસીપીનું બનેલું મહાયુતિ ગઠબંધન મુંબઈ નગરપાલિકાની ચૂંટણી જીતશે.