મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના એંધાણઃ ફડણવીસને મળ્યા ઉદ્ધવ જૂથના નેતા, જાણો સિક્રેટ?

મુંબઈ: રાજ્યમાં મહાયુતિ સરકારની સ્પષ્ટ બહુમતી હોવા છતાં યુતિના ત્રણ પક્ષ વચ્ચે આંતરિક રોષ સતત સામે આવી રહ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જન્મદિવસ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાગપુરમાં હતા, પણ આજે મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના નિવાસસ્થાને ગયા હતા. મુંબઈ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી બંને જૂથના નેતાઓ વચ્ચેની આ બેઠક મહત્વની માનવામાં આવે છે.
ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ અને વિધાનસભ્ય મિલિંદ નાર્વેકર, ભૂતપૂર્વ પ્રધાન સુભાષ દેસાઈ અને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ શિવસેના પ્રમુખ સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરે સ્મારકના કામકાજના સંદર્ભમાં મુખ્ય પ્રધાન સાથે આ બેઠક થઈ હોવાનું માનવામાં આવે છે.
આ મુલાકાતથી કેટલાક રાજકીય અર્થ પણ દોરવામાં આવી રહ્યા છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષ સખત મહેનત કરી રહ્યા છે અને ભાજપ મુંબઇ પર કબજો મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો છે.
બીજી તરફ મહાયુતિમાં ભાજપ અને શિવસેના વચ્ચે તિરાડ પડવાની ચર્ચા છે અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહાયુતિ સરકારે લીધેલા ત્રણ નિર્ણયોને ફડણવીસ સરકાર અટકાવી દેશે એવું માનવામાં આવી રહ્યું છે.
સૌથી મોટી વાત એ છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીમાંથી એકનાથ શિંદેને હટાવી દેવામાં આવ્યા છે. દરમિયાન આજે શિવસેના (યુબીટી)ના ત્રણ અગ્રણી નેતા મુખ્ય પ્રધાનને મળવા ગયા હોવાથી અનેક ભવાં ચડ્યાં છે.