ગુટખાના સપ્લાયર્સ સામે અસરકારક કાર્યવાહી માટે એમસીઓસીએમાં સુધારો કરવામાં આવશે: ફડણવીસ

નાગપુર: રાજ્યમાં ગુટખા અને પાનમસાલા તેમ જ ચરસ જેવા આરોગ્યને નુકસાનકારક પદાર્થોના વેચાણ/વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છતાં નિયંત્રણ મેળવવામાં ધારી સફળતા મળતી ન હોવાથી હવે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ)માં સુધારો કરવામાં આવશે જેથી આવા પદાર્થોના સપ્લાયર્સ અને વિતરકો સામે કાર્યવાહી કરી શકાય એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં જણાવ્યું હતું.
રાજ્યમાં ગુટખા (સુગંધિત તમાકુનું મિશ્રણ) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કોંગ્રેસના વિધાનસભ્ય અસલમ શેખ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘હાલના એમસીઓસીએ કાયદાની જોગવાઈઓ હેઠળ, તેના ઉપયોગ માટે ધમકી અથવા શારીરિક નુકસાનનું તત્વ હોવું જોઈએ. અમે પહેલેથી જ ગૃહ વિભાગને કાયદામાં સુધારો કરવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જેથી પ્રતિબંધિત પદાર્થોના રીઢા સપ્લાયર્સ અને વિતરકો સામે આ કાયદા હેઠળ ગુનો નોંધી શકાય.’

ભાજપના વિધાનસભ્ય પ્રશાંત ઠાકુરે સૌપ્રથમ નીચલા ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે શેખે જાણવા માગ્યું હતું કે ગુટખા અને તેના જેવા ઉત્પાદનો પર પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારા રીઢા ગુનેગારો સામે એમસીઓસીએની કડક જોગવાઈઓનો અસરકારક રીતે ઉપયોગ કેમ નથી થઈ રહ્યો.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે કેસ નોંધાઈ રહ્યા છે, પરંતુ હાલની કાનૂની જોગવાઈઓ નબળી છે. ‘ગેરકાયદે વેપારને રોકવા માટે કાયદાને વધુ કડક અને અસરકારક બનાવવાની જરૂર છે,’ એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યભરમાં ગુટખા, ‘માવા’, સિગારેટ, સોપારી, પાન મસાલા, ચરસ અને ગાંજાના સપ્લાય અથવા વેચાણ સંબંધિત મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે, જેમાં નવી મુંબઈ (1,144), અહમદનગર (185), જાલના (90), અકોલા (35), નાસિક (133), ચંદ્રપુર (230), સોલાપુર (108), બુલઢાણા (634), નાગપુર (49) અને યવતમાળ (1,706)નો સમાવેશ થાય છે, એવી માહિતી ફડણવીસે ગૃહને આપી હતી.
ગુટખા પ્રતિબંધના ઉલ્લંઘન બદલ, ભારતીય ન્યાય સંહિતાની કલમ 123 (ઝેર વગેરે દ્વારા નુકસાન પહોંચાડવું), 274 (ખાદ્ય/પીણામાં ભેળસેળ) અને 275 (હાનિકારક ખોરાક અથવા પીણાનું વેચાણ) તેમજ ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ, 2006ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો…ફલટણ આત્મહત્યા: હાથ પરનું લખાણ ડોક્ટરનું જ, ઉત્પીડનમાં કરાયું હતું: મુખ્ય પ્રધાન…



