મહારાષ્ટ્ર તમને ક્યારેય માફ નહીં કરે, રાહુલ ગાંધી પર વરસ્યા ફડણવીસ | મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર તમને ક્યારેય માફ નહીં કરે, રાહુલ ગાંધી પર વરસ્યા ફડણવીસ

મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની પ્રજા રાહુલ ગાંધીને ક્યારેય માફ નહીં કરે. રાહુલ ગાંધીએ આક્ષેપ કરતા લોકસભામાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાન સભાની ચૂંટણી વચ્ચેના પાંચ મહિનાના સમયગાળામાં લગભગ 70 લાખ નવા મતદારો ઉમેરવામાં આવ્યા છે.

ફડણવીસે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના લોકોનું, છત્રપતિ શિવાજી મહારાજનું, ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અને વીર સાવરકરની જન્મભૂમિનું અપમાન કર્યું છે. વિધાન સભાની ચૂંટણીમાં તમારો પરાજય થયો અને મહારાષ્ટ્રના લોકોએ એનડીએને લોકશાહીનો આદેશ આપ્યો ત્યારે આત્મનિરીક્ષણ કરવાને બદલે તમે નિંદા કરી રહ્યા છો. મહારાષ્ટ્રના લોકો તમને આ માટે ક્યારેય માફ નહીં કરે. માફી માગો રાહુલ ગાંધી!.

નોંધનીય છે કે સોમવારે બજેટ પરના રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર આયોજિત ચર્ચામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અંગે ઘણા આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે અહીં લોકસભાની ચૂંટણી પછી અને વિધાન સભાની ચૂંટણી પહેલા માત્ર પાંચ મહિનાના સમયગાળામાં છેલ્લા પાંચ વર્ષમાં જેટલા મતદારો ઉમેરવામાં આવ્યા તેનાથી વધુ મતદારો ઉમેરવામાં આવ્યા છે. લગભગ 70 લાખ મતદારો નવા ઉમેરાયા છે.

આ પણ વાંચો…Budget 2025: બજેટમાં રેલવે માટે ગુજરાતને 17,155 કરોડ-મહારાષ્ટ્રને 23,778 કરોડની ફાળવણી

જોકે, લોકસભામાં એ જ સમયે રાહુલના આક્ષેપોનો જવાબ આપતા ભાજપના સાંસદ પીપી ચૌધરીએ જણાવ્યું હતું તે, સંસદે મતદાર યાદીમાં નામ ઉમેરવા અને દૂર કરવા અંગે કાયદો બનાવ્યો છે. એમ લાગે છે કે રાહુલ ગાંધીને આની જાણ નથી. તેમનું નિવેદન તેમની અજ્ઞાનતાને કારણે છે. તેમણે કાયદો વાંચ્યો જ નથી. કાયદામાં બધી જોગવાઇઓ છે, જો તેમને લાગે છે કે એ ખોટો છે તો તેઓ વાંધો ઉઠાવી શકે છે, પણ અહીં સવાલ ઉઠાવવાથી ખબર પડે છે કે તેમને કાયદાની કોઇ જાણ જ નથી.

સંબંધિત લેખો

Back to top button