વિધાનસભા ચૂંટણીમાં સંતોના એકતાના સંદેશથી ભાજપે ‘વોટ જેહાદ’ને હરાવ્યું: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે ભાજપે ‘વોટ જેહાદ’નો સામનો સંતોની ‘આધ્યાત્મિક શક્તિ’ સાથે કર્યો હતો, જેને કારણે 2024ની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને સત્તામાં આવ્યું હતું.
છત્રપતિ સંભાજીનગરના વૈજાપુર તાલુકામાં રામગીરી મહારાજ દ્વારા આયોજિત એક ધાર્મિક કાર્યક્રમને સંબોધતા ફડણવીસે સૂચવ્યું હતું કે સોશિયલ એન્જિનિયરિંગે મહાયુતિના ભવ્ય વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં 288માંથી 132 બેઠકો જીતી હતી. સાથી પક્ષો શિવસેના અને એનસીપીએ અનુક્રમે 57 અને 41 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
લોકસભાની ચૂંટણી (મે 2024માં આયોજિત)માં રાષ્ટ્રવાદી વિચારધારાને હરાવવા માટે ગુપ્ત હેતુ સાથે (કેટલાક પક્ષો દ્વારા) વોટ જેહાદનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે મતોનું ધ્રુવીકરણ થયું હતું, એમ પણ ફડણવીસે કહ્યું હતું.
લોકસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડી (એમવીએ) દ્વારા ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિને પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જેમાં વિપક્ષી જૂથે 48માંથી 30 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
એવા શબ્દોમાં ફડણવીસે વિધાનસભા ચૂંટણી દરમિયાન મહાયુતિ દ્વારા અપનાવવામાં આવેલી રણનીતિનો ખુલાસો કર્યો હતો.
અમે આધ્યાત્મિક નેતાઓ તરફ વળ્યા અને તેમને કહ્યું કે ‘વોટ જેહાદ’એ આપણી સંસ્કૃતિ પર હુમલો છે. જો તેને નિયંત્રણમાં રાખવામાં નહીં આવે તો, હિન્દુ મંદિરો પર હુમલા ફરી શરૂ થઈ શકે છે. શક્તિ કાયમી નથી, પરંતુ દેશ અને ધર્મ અમર રહેવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: ચૂંટણીમાં ‘વોટ જેહાદ’ જેવા શબ્દના ઉપયોગ બદલ ચૂંટણી પંચ એક્શનમાં, આપ્યું આ નિવેદન…
ફડણવીસે કહ્યું હતું કે, સંકટને સમજીને, સંતો અને આધ્યાત્મિક નેતાઓએ સામાન્ય લોકોને તેમની જાતિને ધ્યાનમાં લીધા વિના એક થવાની અપીલ કરી હતી.
‘સંતોની આ શક્તિએ અમને (ચૂંટણીના) મેદાનમાં મદદ કરી, (મહાયુતિ માટે) મોટી જીત સુનિશ્ર્ચિત કરી,’ એમ તેમણે જણાવ્યું હતું.
ફડણવીસે શનિ-દેવગાંવ વિસ્તારમાં બેરેજ બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે ગોદાવરી નદી પર સરલા બેટ (ટાપુ) વિકસાવવામાં આવશે અને ટૂંક સમયમાં રૂ. 109 કરોડની યોજના મંજૂર કરવામાં આવશે.