અમૃત 2.0 હેઠળના બાકી પ્રોજેક્ટ્સ 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરો: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં અમૃત 2.0 મિશન હેઠળ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સંબંધિત પડતર પ્રોજેક્ટ્સ 31 માર્ચ, 2026 સુધીમાં પૂર્ણ કરવા જોઈએ.
સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે વોર રૂમની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા, ફડણવીસે સરકારી એજન્સીઓને કલ્યાણકારી યોજનાઓ અને મિશનના અસરકારક અમલીકરણની ખાતરી કરવા નિર્દેશ આપ્યો જેથી તેઓ નાગરિકોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવી શકે.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓના અમલમાં રાજ્ય પાછળ ન રહે તે માટે વિભાગોએ સતર્ક રહેવું જોઈએ.
વિવિધ યોજનાઓ અને પહેલનો હેતુ સામાન્ય લોકોના જીવનધોરણને સુધારવાનો છે. અસરકારક અમલ નિશ્ર્ચિત કરવાની અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની જવાબદારી વિભાગોની છે, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: કોંગ્રેસ પોતે ‘મત ચોરી’માં સંડોવાયેલી છે, ખુલ્લું પડી ગયું: ફડણવીસ
અમૃત 2.0 (અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન) મિશનની સમીક્ષા કરતા, ફડણવીસે ભાર મૂક્યો હતો કે શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠા, ગટર, ગ્રીન સ્પેસ અને તળાવના કાયાકલ્પને લગતા બાકી પ્રોજેક્ટ્સ 31 માર્ચ, 2026 સુધીમાં ‘મિશન મોડ’માં પૂર્ણ કરવા જોઈએ.
તેમણે અધિકારીઓને પડતર વહીવટી મંજૂરીઓ તાત્કાલિક આપવા અને સ્થાનિક સંસ્થાઓની સમયસર ભાગીદારી નિશ્ર્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
તેમણે કહ્યું કે વિલંબ ટાળવા માટે તમામ કાનૂની મંજૂરીઓ મેળવ્યા પછી જ બાંધકામ શરૂ થવું જોઈએ.
‘જો અગાઉથી પરવાનગીઓ આપવામાં આવે, તો કામ વિક્ષેપ વિના શરૂ થઈ શકે છે. વિભાગોએ તબક્કાવાર મંજૂરીઓ પણ નિશ્ર્ચિત કરવી જોઈએ જેથી પ્રોજેક્ટ્સ સરળતાથી આગળ વધે,’ એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
આ પણ વાંચો: રાજ ઠાકરે-ફડણવીસની મુલાકાત પછી શિવસેના (યુબીટી)-મનસે ગઠબંધન ખતમ?
તેમણે શહેરી વિસ્તારોમાં સુલભ આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ આરોગ્ય કેન્દ્રો પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને તબીબી શિક્ષણ અને આરોગ્ય વિભાગોને વર્તમાન અને ભવિષ્યની માનવશક્તિની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા, ખાસ કરીને પેરામેડિકલ ક્ષેત્રમાં, અને નર્સિંગ કોલેજોમાં પર્યાપ્ત માળખાકીય સુવિધાઓ હોય તેની ખાતરી કરવા જણાવ્યું હતું.
રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રમાં તાત્કાલિક માનવશક્તિ ઉપલબ્ધ કરાવવા માટે નીતિ ઘડવી જોઈએ, એમ પણ તેમણે ઉમેર્યું હતું.
ફડણવીસે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, જે હવે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સ્થાનાંતરિત થઈ છે, તેમાં બધા બાકી લાભાર્થીઓને આવરી લેવા જોઈએ.