ફેક્ટરીમાં આગઃ મૃતકોના પરિવારોને પાંચ લાખની સહાય કરવાની સીએમ શિંદેની જાહેરાત
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આવેલી એક હાથના મોજાં બનાવતી ફેક્ટરીમાં રવિવારે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં છ કારીગરોના મૃત્યુ થયા હતા. આ આગમાં માર્યા જનારા લોકો અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શોક વ્યક્ત કર્યો હતો.
આ દુર્ઘટનામાં માર્યા જનારાના પરિવારોને પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી હતી. દરમિયાન આગમાં જખમી થયેલા લોકોને પણ દરેક ઈજાગ્રસ્ત લોકોને સારવારનો ખર્ચ સરકાર તરફથી આપવાની જાહેરાત કરી હતી.
શનિવારે મોડી રાતના એક વાગ્યાના સુમારે વલૂજ ઈન્ડસ્ટ્રી વિસ્તારમાં આવેલા સનશાઈન એન્ટરપ્રાઈસેસમાં આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાં 13 કારીગર અહીં સૂતા હતા. તેરમાંથી છ કારીગરનું મૃત્યુ થયું હતું અને બાકીના કારીગરોએ પોતાનો જીવ બચાવવા ફેક્ટરીની છત પરથી જમ્પ મારીને બહાર નીકળ્યા હતા.
ફેક્ટરીમાં આગ લાગી હોવાનો રાત્રે 1.15 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. આગની માહિતી મળતા અગ્નિશામક દળ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ત્યારબાદ સવારે 3.30 વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લેવાઈ હતી. આગમાં સાત લોકોને ઇજા થઈ હતી. દાઝેલા કારીગરોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક નેતાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે આ ફેક્ટરી ઔદ્યોગિક કામ માટે આપવામાં આવી હતી, તેમ છતાં અહીં લોકોને રાખવામાં આવ્યા હતા. આગનું કારણ જાણવા માટે નિષ્ણાંતોને પણ બોલાવવામાં આવ્યા છે, અને આ ઘટનાની તપાસ પણ કરવામાં આવશે, એવી માહિતી તેમણે આપી હતી.