થાણેમાં આકર્ષક વળતરની લાલચે એન્જિનિયર સાથે 62 લાખની ઠગાઇ
મુંબઈ: શેર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે એન્જિનિયર સાથે 62 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. ખાનગી કંપનીમાં કામ કરતા એન્જિનિયરે સપ્ટેમ્બર અને નવેમ્બર દરમિયાન રૂપિયા ગુમાવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
મહિલાએ એન્જિનિયરનો વ્હૉટ્સઍપ પર સંપર્ક સાધ્યો હતો અને પોતાની ઓળખ અનાયા તરીકે આપી હતી અને આકર્ષક વળતરની લાલચ આપીને તેને શેર ટ્રેડિંગમાં રોકાણ કરવા માટે મનાવી લીધો હતો.
એન્જિનિયરે બે મહિનામાં 62.39 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે એન્જિનિયરને કોઇ વળતર ન મળતાં તેણે મહિલાનો સંપર્ક સાધ્યો હતો, પણ મહિલા તેને ટાળવા લાગી હતી.
દરમિયાન પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં એન્જિનિયરે આ પ્રકરણે બુધવારે કલવા પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)