રાજીનામુ આપતા પહેલા એકનાથ શિંદેનું સૂચક નિવેદન,’સંયુક્ત ચૂંટણી લડી અને હવે
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શાસક મહાયુતિને પ્રચંડ બહુમતિ મળ્યા બાદ હવે મુખ્ય પ્રધાન કોણ એ મામલે પેચ ફસાયો ત્યારે એવા સમાચાર આવ્યા છે કે મુખ્ય પ્રધાન પદની અકળામણ હવે પૂરી થઇ ગઇ છે અને મુખ્ય પ્રધાન પદ ભાજપ પાસે જશે તથા એકનાથ શિંદે રાજીનામુ આપશે. શિંદે આજે સવારે 11 વાગ્યાની આસપાસ રાજીનામુ આપશે અને નવી સરકાર બીજી ડિસેમ્બરના રોજ રચાશે.
Also read: મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાની ગોઝારી રાતે શું બન્યું, જાણો પીડિતાની વ્યથા…
શિંદે સેનાના નેતાઓ, કાર્યકરો એમ ઇચ્છતા હતા કે બિહારની જેમ મુખ્ય પ્રધાન પદ શિવસેના પાસે જ રહેવું જોઇએ. જોકે, હવે લગભગ એ નક્કી થઇ ગયું છે કે રાજ્યની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે અને મુખ્ય પ્રધાન પદ તેને જ જશે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વના આ નિર્ણય બાદ એવી ચર્ચા ચાલી રહી હતી કે એકનાથ શિંદે નારાજ છે. એવામાં શિંદે સેનાના નેતાઓ વર્ષા બંગલે એકઠા થવાની અપીલ કરવામાં આવી હતી. આ અપીલ પર એકનાથ શિંદેએ ટ્વિટ કરીને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી.
શું કહ્યું એકનાથ શિંદેએ?
શિંદેએ જણાવ્યું છે કે, મહાયુતિની ભવ્ય જીત બાદ રાજ્યમાં ફરી એકવાર અમારી સરકાર બનવા જઈ રહી છે. મહાયુતિ તરીકે અમે એક સાથે ચૂંટણી લડ્યા હતા અને આજે પણ અમે એકસાથે જ છીએ. મારા પ્રત્યેના પ્રેમને લીધે કેટલાક લોકોએ દરેકને ભેગા થવા અને મુંબઈ આવવા અપીલ કરી છે. હું તમારા પ્રેમ માટે ઘણો જ આભારી છું, પરંતુ હું તમને અપીલ કરું છું કે આવી રીતે મારા સમર્થનમાં કોઈ સાથે ના આવે. મારી તમને નમ્ર વિનંતી છે કે શિવસેનાના કાર્યકરોએ વર્ષા નિવાસ્થાને કે બીજે કશે પણ ભેગા થવું ના જોઈએ. મહાયુતિ મજબૂત છે અને સમૃદ્ધ મહારાષ્ટ્ર માટે મજબૂત રહેશે.
શિંદેએ મહાયુતિની તરફેણમાં ભારે મતદાન કરવા બદલ વ્હાલી બહેનો, વહાલા ભાઈઓ, પ્રિય ખેડૂતો, યુવાનો, મહારાષ્ટ્રના વરિષ્ઠ નાગરિકો વગેરે સહુનો આભાર માન્યો હતો અને લોકોએ તેમનામાં જે ભરોસો દર્શાવ્યો છે તેને સાર્થક કરવા પ્રયત્નશીલ રહેવાનું વચન આપ્યું હતું.
દરમિયાન એકનાથ શિંદેને ફરીથી મુખ્ય પ્રધાનપદ મળે તે માટે કોપરી મતવિસ્તારમાં શિંદેની પ્રિય બહેનોએ ગણપતિ મંદિરમાં મહા આરતી કરી હતી. હવે થાણેમાં મહિલાઓ સામૂહિક આરતી કરી રહી છે. મુખ્ય પ્રધાન પદને લઈને હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી શિવસેનાના નેતાઓ પણ ઈચ્છે છે કે એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બને.
Also read: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદનો શપથગ્રહણ સમારોહ 29 તારીખે થવાની શક્યતા…
રાજ્ય વિધાન સભાની 288 બેઠકોમાંથી મહાયુતિને 230 બેઠકો મળી છે, જેમાં ભાજપને 132, શિવસેના શિંદે જૂથને 57 અને NCP અજિત પવાર જૂથને 41 બેઠકો મળી છે, જ્યારે મહાવિકાસ આઘાડીને માત્ર 46 બેઠકો પર જ સમાધાન કરવું પડ્યું છે. જેમાં કોંગ્રેસને 16, ઠાકરે જૂથને 20 અને શરદ પવાર જૂથને 10 બેઠકો મળી હતી. તેમજ અપક્ષ-અન્યને 12 બેઠકો મળી છે. જેના કારણે રાજ્યમાં મહાગઠબંધન સત્તા પર આવશે તે નિશ્ચિત છે. હાલમાં મહાયુતિ જૂથમાં સરકાર રચવાની હિલચાલે વેગ પકડ્યો છે.
દરમિયાન અમિત શાહ આજે મુંબઈ આવવાના હોવાનું કહેવાય છે. સૂત્રોએ માહિતી આપી છે કે અમિત શાહ નિરીક્ષક તરીકે આવતીકાલે મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને કેબિનેટની ફોર્મ્યુલા નક્કી કરશે. અમિત શાહની હાજરીમાં આજે પત્રકાર પરિષદ યોજાશે. અમિત શાહ મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન કોણ છે? તેની જાહેરાત કરશે.