મરાઠા અનામતનો બચાવ કરવામાં ઉદ્ધવ મરાઠા અનામત સરકાર નિષ્ફળ ગઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નવેમ્બર 2019થી જૂન 2022 દરમિયાન સત્તામાં હતા ત્યારે મરાઠા અનામતને અવરોધવા બદલ વિપક્ષી મહા વિકાસ આઘાડીની આકરી ટીકા કરી હતી.
શિવસેના (શિંદે જૂથ)ના વડા એકનાથ શિંદેએ કહ્યું હતું કે મરાઠા સમુદાય માટે અનામત કાયદાકીય માળખામાં લાગુ કરવામાં આવશે અને તે ઓબીસી (અન્ય પછાત વર્ગો)ની હાલની અનામતને અસર કરશે નહીં.
શિંદેએ કહ્યું હતું કે, ‘આપણે એક સમુદાયના અધિકારો છીનવીને બીજા સમુદાયને આપી શકીએ નહીં. આ ન તો સરકારનું વલણ છે અને ન તો મરાઠા સમુદાયની માગણી છે.’
આપણ વાંચો: મરાઠા અનામત અંગે ચર્ચા કરી રહેલી કેબિનેટ સબ-કમિટી બંધારણીય રીતે માન્ય ઉકેલ શોધશે: ફડણવીસ…
શિંદેએ શિવસેના (યુબીટી)ના વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા, જેમણે કોંગ્રેસ, અવિભાજિત શિવસેના અને અવિભાજિત શરદ પવારની આગેવાની હેઠળની એનસીપીની એમવીએ ગઠબંધનનું નેતૃત્વ કર્યું હતું.
2016-17માં, તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (જેમણે ભાજપ-અવિભાજિત શિવસેના સરકારનું નેતૃત્વ કર્યું હતું)એ મરાઠા સમુદાયને અનામત આપવાનું કામ કર્યું હતું. જોકે, કેટલાક લોકો તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. મહાયુતિ સરકાર અને ઠાકરે કોર્ટમાં મરાઠા અનામતનો બચાવ કરવામાં નિષ્ફળ ગયા, એવો આરોપ શિંદેએ લગાવ્યો હતો.
જ્યારે હું મહાયુતિ સરકારનું નેતૃત્વ કરી રહેલા મુખ્ય પ્રધાન હતો, ત્યારે મરાઠા સમુદાયને 10 ટકા અનામત આપવામાં આવ્યું હતું, અને આજે પણ સમુદાય તેનો લાભ મેળવી રહ્યો છે. કુણબીઓની સંખ્યા ઓળખવા અને પાત્રતા માટે, જસ્ટિસ શિંદેના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી, અને તે હજુ પણ કાર્યરત છે. સારથી દ્વારા, મરાઠા વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિઓ આપવામાં આવી રહી છે. અન્નાસાહેબ પાટિલ આર્થિક વિકાસ નિગમ દ્વારા, હજારો મરાઠા યુવાનો ઉદ્યોગસાહસિક બન્યા છે. આ યોજનામાં લોન મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી હતી.
આપણ વાંચો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મરાઠા લીડર બન્યા
મરાઠા વિદ્યાર્થીઓને હોસ્ટેલ ભથ્થાં પણ આપવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આ બધા પ્રયાસો મરાઠા સમુદાય સમક્ષ સ્પષ્ટ છે, એમ શિંદેએ કહ્યું હતું.
‘મરાઠા સમુદાય માટે જે જરૂરી હતું તે આ સરકારે કર્યું છે અને અમે ભવિષ્યમાં પણ તેમ કરતા રહીશું,’ એમ તેમણે કહ્યું હતું.
‘અન્ય સમુદાયોની અનામત છીનવીને મરાઠાઓને આપી શકાતી નથી. કાયદાના માળખામાં, સરકાર આજે પણ મરાઠા સમુદાય માટે જે પણ ન્યાયી અને યોગ્ય છે તે પૂરું પાડવા માટે તૈયાર છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.