આમચી મુંબઈમહારાષ્ટ્ર

Naxalite Encounter: ગઢચિરોલી માટે એકનાથ શિંદેએ કહ્યું, અમારો એક લક્ષ્યાંક….

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ભારત આંતકવાદની સાથે સાથે નક્સલવાદ અને માઓવાદથી ત્રસ્ત છે અને જેટલા જવાનોએ આતંકવાદીઓ સાથે બાથ ભીડતા શહીદી વહોરી છે તેનાં કરતાં વધુ જવાનો નક્સલવાદીઓ સાથેની લડતમાં શહીદ થયા છે. મહારાષ્ટ્રનો ગઢચિરોલી પણ નક્સલવાદથી ગ્રસ્ત વિસ્તાર છે અને આ વિસ્તારને નક્સલવાદીના કેન્સરથી મુક્ત કરવાનો નિર્ધાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેર કર્યો છે.

આ પણ વાંચો: ગઢચિરોલીમાં પોલીસના એન્કાઉન્ટરમાં 12 નકસલી ઠાર, 2 અધિકારી ઘાયલ

બુધવારે સુરક્ષા દળોએ ગઢચિરોલીમાં અત્યંત ખૂંખાર એવા 12 નક્સલવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન શિંદેએ સુરક્ષા દળોએ દર્શાવેલા આ પરાક્રમને ખૂબ જ વખાણ્યું હતું અને તેમની બહાદુરીને બિરદાવી હતી. તેમણે ગઢચિરોલીને નક્સલવાદ અને નક્સલવાદીઓથી મુક્ત કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.

ઓપરેશનમાં ભાગ લેનારા જવાનોને મળશે 51 લાખનું ઇનામ
વાંડોલી ગામમાં સી-60 અને કોબ્રા કમાન્ડોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા અને લગભગ છ કલાક સુધી ચાલેલા દિલધડક ઓપરેશનમાં જવાનોએ પરાક્રમ દાખવીને 12 નક્સલવાદીઓને ઢેર કર્યા તેની પ્રશંસા કરવા ઉપરાંત શિંદેએ ઓપરેશનમાં સામેલ જવાનો માટે 51 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે ગઢચિરોલીને નક્સલવાદથી મુક્ત કરવામાં આ કાર્યવાહી ચાવીરૂપ સાબિત થશે. જવાનોએ દાખવેલા શૌર્યના કારણે અહીં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને લોકોમા સુરક્ષાની ભાવના જાગૃત થશે. આ કાર્યવાહી નક્સલવાદીઓ માટે મોટો ઝટકો છે. અમારી નીતિ અહીં વિકાસને પ્રાથમિકતા આપવાની છે અને હિંસાનો પૂરજોર વિરોધ કરવાની છે. ગઢચિરોલીને નક્સલવાદથી મુક્ત કરવા અમે પ્રતિબદ્ધ છીએ.

આ પણ વાંચો: નકસલવાદીઓનું કલ્યાણઃ મહારાષ્ટ્ર સરકારે ‘Surrender Scheme’ લંબાવી, જાણો શા માટે?

નક્સલીઓના માથે હતું 86 લાખનું ઇનામ
ગઢચિરોલી પોલીસના સી-60 અને કોબ્રા કમાન્ડોએ ઓપરેશનમાં ઠાર કરેલા 12 નક્સલવાદીઓ અત્યંત ખતરનાક હતા અને તેમના માથે કુલ 86 લાખ રૂપિયાનું ઇનામ હતું. માર્યા ગયેલા નક્સલીઓમાં ત્રણ ટોચના કમાન્ડર હતા. સુરક્ષા દળોએ નક્સલવાદીઓ પાસેથી એકે-47, એસએલઆર(સેલ્ફ લોડિંગ રાઇફલ) અને અન્ય ઓટોમેટિક રાઇફલ અને કારતૂસો સહિતની શસ્ત્ર-સરંજામ જપ્ત કર્યો હતો. આ ઓપરેશનના કારણએ કોર્ચી-તિપાગઢ અને ચટગાંવ-કસાનસુરમાંથી માઓવાદીઓનો સંર્પૂણપણે ખાત્મો થઇ ગયો હોવાનું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button